Get The App

ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારી હત્યા

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ  દ્વારા યુવતી પર  બળાત્કાર ગુજારી હત્યા 1 - image


રેપ બાદ યુવતીએ પોલીસ સ્ટેશને લઈ જવાની ચિમકી આપી

ફરવાના બહાને જંગલમાં લઈ ગયો, બળાત્કાર પછી કેસ થવાની બીકે ગળું દબાવી દીધું

મુંબઈ  :  નાગપુરમાં સોશિયલ મિડીયા દ્વારા મિત્રતા થયા બાદ યુવક ફરવાના બહાને તેની પ્રેમીકાને જંગલમાં લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ બાદ બળાત્કારના કેસમાં ફસાઈ જવાના ડરથી પ્રેમીએ પ્રેમીકાનું ગળુ દબાવીને હત્યા કરી હતી. પોલીસે આ મામલે ૩૦ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.

વિગત મુજબ, આ કેસમાં ૩૦ વર્ષીય લોકેશની ધરપકડ કરવામાં આવી હતી. ૨૨ વર્ષીય પુજા તેની માતા અને ભાઈ સાથે ઉમરેડમાં રહેતી હતી. તે બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 

આ સમયગાળા દરમિયાન ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકેશ અને પુજા વચ્ચે મિત્રતા બંધાઈ હતી. થોડા સમયમાં  બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન લોકેશે પુજાને લગ્નનું વચન પણ આપ્યું હતું અને તેની માતા સાથે  પુજાનોે પરિચય પણ કરાવ્યો હતો.

ઘટના સમયે લોકેશ પુજાને રવિવારે બહાર ફરવા લઈ ગયો હતો. જેમાં પુજા મિત્રને મળવા બહાર જઈ રહી છું એમ કહીને ઘરેથી નિકળી હતી.  આ બાદ બંને બપોરે ટુ વ્હીલર પર સવાર થઈને બ્રહ્મપુરી તેના મિત્રના ઘરે ગયા હતા.  ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે બંને ઘરે જવા નીક્ળ્યા હતા. આ સમયે લોકેશ ે પુજાને તેના ઘરે લઈ જવાને બદલે  જંગલોમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. 

આ ઘટના બાદ પુજા લોકેશ પર ગુસ્સે થઈ ગઈ હતી અને બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.  જેમાં  પુજાએ લોકેશને સીધુ પોલીસ સ્ટેશન ચાલવા અને તેની સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધવા કહ્યું હતું. જેથી લોકેશ ગભરાઈ ગયો હતો. તેની સામે બળાત્કારનો ગુનો નોંધાશે અને તેની ધરપકડ કરવામાં આવશે એવો તેને ડર લાગ્યો હતો.

ધરપકડ  થવાના  ડરથી લોકેશે પુજાનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને લાશને રસ્તાની બાજુમાં ફેંકીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ ઘટના સોમવારે પ્રકાશમાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને  પંચનામું કરતા સમયે  પોલીસને પુજાના હાથ પર લોકેશે મારા પર બળાત્કાર કર્યો છે. આ પ્રમાણેનું લખાણ જોવા મળ્યું હતું.

આથી પોલીસે આ મામલે લોકેશ સામે બળાત્કાર અને હત્યાનો કેસ નોંધ્યો હતો અને ચંદ્રપુરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં પૂછપરછ સમયે લોકેશે ગુનો કબૂલ્યો હતો.



Google NewsGoogle News