યુવતી પુરુષ સાથે હોટલના રુમમાં જાય એટલે સમાગમ માટે સંમત છે તેમ ન ગણાય
હાઈકોર્ટની ગોવા બેન્ચે નીચલી કોર્ટના આદેશને પલટાવ્યો
નીચલી કોર્ટે યુવતીએ રુમ બૂક કરાવ્યો હોવાથી તથા રુમમાં ગઇ હોવાથી સંમત હોવાનું માન્યું હતું પીડિતાએ બહાર આવી રોકકળ કરી પોલીસને બોલાવી તે દર્શાવે ચે કે સંમતિ ન હતી તેવું હાઈકોર્ટનું તારણ
મુંબઈ : એક મહત્વના ચુકાદામાં બોમ્બે હાઈ કોર્ટની ગોવા બેન્ચે ઠેરવ્યું હતુંે કે જો કોઈ યુવતી પુરુષ સાથે હોટેલરૃમ બુક કરાવે અને તે રૃમની અંદર જાય તો એનો અર્થ એવો નથી કે યુવતીએ જાતીય સમાગમને સંમતિ આપી છે.
ન્યા. ભરત દેશપાંડેની સિંગલ બેન્ચે આરોપીને બળાત્કારના આરોપમાંથી મુક્ત કરતા મડગાંવ ટ્રાયલ કોર્ટે ત્રીજી માર્ચ ૨૦૨૧ના રોજ આપેલા આદેશને રદબાતલ કર્યો હતો. નીચલી કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે હટેલની રૃમ બુક કરવામાં યુવતીએ સહકાર આપ્યો હોવાથી તેણે રૃમની અંદર થયેલી જાતીય પ્રવૃત્તિમાં સંમતિ આપી છે અને આથી ગુલશેર અહેમદ સામે બળાત્કારનો ગુનો બની શકે નહીં.
ત્રીજી સપ્ટેમ્બરે આપેલા આદેશમાં ન્યા. દેશપાંડેએ નિરીક્ષણ કર્યું હતું કે પીડિતા રૃમની અંદર ગઈ હોવાથી તેણે જાતીય સમાગમને સંમતિ આપી હોવાનું નિરીક્ષણ કરીને ટ્રાયલ જજે સ્પષ્ટ રીતે ભુલ કરી છે.
બનાવ બાદ તરત જ ફરિયાદ થઈ હોય ત્યારે આવો નિષ્કર્શ કાઢવો એ નિર્ધારીત શક્યતાથી વિરુદ્ધ છે. એવું માનીએ કે પીડિતા રૃમમાં આરોપી સાથે ગઈ હતી તો પણ એવી કલ્પના બાંધી શકાય નહીં કે જાતીય સમાગમમાં તેની સંમતિ હતી, એમ ન્યા. દેશપાંડેએ આદેશમાં નોંધ કરી હતી.
નીચલી કોર્ટે રૃમમાં વિરોધ વિના પ્રવેશ કરવો અને રૃમમાં થયું તેની સંમતિ આપવી એ બે વસ્તુને મિક્સ કરી છે. પીડિતાએ તરત રૃમની બહાર આવીને રોકકળ કરી પોલીસને બોલાવી અને ફરિયાદ નોધાવી એ દર્શાવે છે કે રૃમમાં જે થયું એ તેની સંમતિથી નહોતું, એમ જજે નોંધ કરી હતી.
ત્રીજી માર્ચ ૨૦૨૦ના રોજ ઘટના બની ત્યારે આરોપીએ પીડિતાને વિદેશમાં ખાનગી નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. તે પીડિતાને મડગાંવની હોટેલમાં એજન્ટને મળવાના બહાને લઈ ગયો હતો. પીડિતા અને આરોપીએ સાથે હોટેલમાં રૃમ બુક કરાવી હતી.
જોકે પીડિતાના જણાવ્યા મુજબ રૃમમાં પ્રવેશતાં જ આરોપીએ તેને મારી નાખવાની અને બળાત્કાર કરવાની ધમકી આપી હતી. આરોપી બાથરૃમમાં ગયો ત્યારે પોતે રૃમમાંથી નીકળી ગઈ અને પોલીસને બોલાવી હતી. પોલીસે આરોપીને તરત પકડી લીધો હતો.
ન્યા. દેશપાંડેએ નોંધ કરી હતી કે આખું દ્રશ્ય હોટેલના કર્મચારીઓએ પણ વર્ણવ્યું હતું. જજે આરોપીની દલીલ ફગાવી હતી કે પીડિતાને રૃમ બુક કરવામાં વાંધો નહોતો એટલું નહીં પણ રૃમમાં પ્રવેશ્યા પૂર્વે બંનેએ સાથે ભોજન લીધું અને આથી તેણે જાતીય પ્રવૃત્તિમાં સંમતિ આપી હતી.