ઘાટકોપરની મહિલાએ 5 હજાર બચાવવા જતાં 6 લાખ ગુમાવ્યા
ગૂગલ પર એનસીપીઆઈનો હેલ્પલાઈન નંબર શોધવા જતાં ગઠિયા ભટકાયા
ગઠિયાએ મોબાઈલ ફોનની એક્સેસ લઈ બેન્ક ડિટેલ્સ મેળવી લીધી, સમયાંતરે ખાતાંમાંથી પૈસા ઉપડતા રહ્યા
મુંબઇ : મુંબઇની એક ૩૧ વર્ષની મહિલાને ગુગલ પર એક નંબર મેળવવો ભારે પડી ગયો હતો. આ નંબર પર ભટકાઇ ગયેલા એક ફ્રોડસ્ટરે મહિલા સાથે છ લાખનું ઓનલાઇન ફ્રોડ આચર્યું હતું.
ઘાટકોપર (વે)ના ચિરાગનગર વિસ્તારની રહેવાસી આ મહિલાએ ૨૬ સપ્ટેમ્બરના રોજ તેની બેંકની મોબાઇલ એપ દ્વારા કાર્ડલેસ સુવિધાનો ઉપયોગ કરી રૃા. પાંચ હજાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સંભવતઃ કોઇ ભુલને કારણે તેને યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) એકાઉન્ટ દ્વારા તેના નાણા કેરળના સીએમના (કોવિડ) આપત્તિ રાહત ફંડમાં જમા થઇ ગયા હતા. મહિલાને આ મેસેજથી તેને આંચકો લાગ્યો હતો. બીજા દિવસે તેણે યુપીઆઇની માલિકી ધરાવતી નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ની ટોલ- ફ્રી હેલ્પલાઇન નંબર મેળવવા ગુગલ સર્ચ કર્યું હતું. આ સર્ચ કર્યા બાદ તેને એક ટોલ ફ્રી નંબર મળ્યો હતો. આ નંબર અસલી હોવાનો વિશ્વાસ રાખી તેણે આ નંબર ડાયલ કર્યો હતો. સામેથી એક વ્યક્તિએ તેની ઓળખાણ એનસીપીઆઇના બાંદ્રા શાખાના કર્મચારી સુરેશ શર્મા તરીકે આપી હતી અને તેને કહ્યું હતું કે તેમને બીજા નંબર પરથી અન્ય વ્યક્તિનો કોલ આવશે.
ફરિયાદી મહિલાને થોડા સમય બાદ અમિત યાદવ નામના એક વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે મહિલાને એક એપ ડાઉનલોડ કરવા કહ્યું હતું અને તેને મદદ કરવા તેની મોબાઇલની સ્ક્રીનનો એક્સેસ આપવા કહ્યું હતું. યાદવે મહિલાને તેના બેંક એકાઉન્ટની વિગતો, પાસવર્ડ અને પેન- યુપીઆઇની વિગતો શેર કરવા મનાવી લીધી હતી.મહિલાએ આ વિગતો શેર કરતા તરત જ તેના ખાતામાંથી ૯૩ હજાર રૃપિયા કપાઇ ગયા હતા. આ રકમ વિરેન્દ્ર રાયકવાર નામના એક વ્યક્તિના ખાતામાં જમા થઇ ગઇ હતી. આ બાબતે યાદવે મહિલાને જણાવ્યું હતું કે તેના માટે નવું ખાતું બનાવવામાં આવ્યું છે અને તેની કપાયેલી રકમ ૨૪ કલાકમાં જમા થઇ જશે. જો કે તેના ખાતામાં કોઇ રકમ જમા ન થતા તેણે ફરીથી ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરતા શર્માએ તેની વાત કુમાર નામના વ્યક્તિ સાથે કરાવી આપી હતી. ફરી આ વ્યક્તિએ વિગતો મેળવ્યા બાદ વધુ રકમ કપાઇ ગઇ હતી.
આ રીતે ૧૬થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન કુલ મહિલાએ છ લાખ રૃપિયા ગુમાવ્યા હતા. ત્યારબાદ મહિલાને જાણ થઇ હતી કે તે સાયબર ફ્રોડનો ભોગ બની છે તેથી તેણે અજ્ઞાાત વ્યક્તિઓ સામે ઓનલાઇન છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.