ઘાટકોપરના સાગર બોનાન્ઝા માર્કેટમાં રાતે આગમાં 30 દુકાનો ખાકઃ એકને ઈજા
- 20 થી વધુનો બચાવઃ મોડી રાતે આગથી જાનહાનિ ટળી
- એક દુકાનમાં શોર્ટ સર્કિટ બાદ આગ પ્રસરીઃ કપડાં, મોબાઈલ એસેસરીઝ, પગરખાં, ઝેરોક્સ સેન્ટર સહિતની દુકાનો લપેટમાં
મુંબઈ : ઘાટકોપર (વે.)ની સાગર બોનાન્ઝા માર્કેટમાં મોડી રાત્રે બંધ દુકાનોમાં આગ ફાટી નિકળતા ૨૫થી ૩૦ જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગમાં એક જણને ઈજા થઈ હતી. જો કે ૧૫થી ૨૦ જણાને બચાવી લેવામાં આવ્યા હતા. આગની આ ઘટના શોર્ટ સર્કિટને લીધે બની હોવાનું કહેવાય છે.
આ સંદર્ભે વધુ વિગતનાસુર શરૂઆતમાં શોર્ટ સર્કિટને લીધે લાગેલી મામૂલી આગે અચાનક ભીષણ સ્વરૂપ પકડી લીધું હતું અને જોત-જોતામાં આ આગે અન્ય દુકાનોને લપેટમાં લઈ લીધી હતી. અહીં ચપ્પલ-બૂટ ઝેરોક્સ, ફોટો ફ્રેમ મોબાઈલ એસેસરીઝ, કપડાં તેમ જ વિવિધ વસ્તુઓની દુકાનો ભીષણ આગમાં બળીને ખાખ ખઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના બંબાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લગભગ છ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં તેમને સફળતા મળી હતી. આગની આ ઘટનામાં અહીં દુકાન ધરાવતા સંતોષ સાવંત નામના વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેમને વધુ સારવાર માટે પાલિકાની રાજાવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આગની આ ઘટના રાત્રે સાડા અગિયાર બાદ બની હોવાથી લોકોની અવર-જવર નહીંવત હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટના બાદ ફાયર બ્રિગેડે ૧૫થી ૨૦ વ્યક્તિઓનો બચાવ કર્યો હતો. આ ઘટનામાં લગભગ ૨૫થી ૩૦ દુકાનો બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હોવાનું કહેવાય છે. આ સંદર્ભે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે રાત્રે ૧૧.૩૦ વાગ્યે તેઓ દુકાન બંધ કરીને જવાની તૈયારીમાં હતા ત્યારે ઈલેક્ટ્રિકના વાયર બળવાની વાસ આવતી હતી. આ વાસની તીવ્રતા વધી જતા તેઓને આગ લાગી હોવાની શંકા જતા વિવિધ દુકાનો ચેક કરવા નીકળ્યા હતા. આ સમયે એક દુકાનમાંથી ધુમાડો આવતો હોવાનું જણાયું હતું. અહીંથી આગની જ્વાળા પણ આવતી હોવાનું જણાયું હતું. સ્થાનિક દુકાનદારોએ ફાયર એક્સ્ટ્વિંગશરની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આગની તીવ્રતા વધુ હોવાથી આગ બુઝાવી શકય નહોતી અને આગ વધુ વકરીને અન્ય ગાળાઓને પણ ચપેટમાં લીધા હતા.