અરીહાને મહિને 1વાર મળવા દેવાની માતાપિતાને જર્મન સત્તાધીશોની મંજૂરી
મુંબઈના જૈન પરિવારની માસુમ બાળકીને માતાપિતાથી વિખૂટી પાડી દેવાઈ છે
અરીહાને મંદિરે લઈ જવા, જૈન રીતરીવાજ તથા ગુજરાતી ભાષાથી પણ વાકેફ કરાવાય છે તેવો વિદેશ મંત્રાલયનો દાવો
મુંબઇ : જર્મનીના ફોસ્ટર હોમ (પાલન કેન્દ્ર)માં રાખવામાં આવેલી જૈન પરિવારની અરીહા નામની બાળકીને મહિનામાં એક વાર મળવાની તેના માતા-પિતાને જર્મનીની કોર્ટે છૂટ આપી છે.
જર્મનીમાં જ નોકરી કરતા મૂળ ભાયંદરના રહેવાસી પતિ-પત્ની ભાવેશ અને ધારા શાહને બાળકીને તેમનાથી વિખૂટી પાડી સપ્ટેમ્બર ૨૦૨૧માં ફોસ્ટર હોમને ઉછરે માટે સોંપવામાં આવી હતી. હવે જર્મન અદાલતે માતા-પિતાને સાડાત્રણ વર્ષની થયેલી તેમની દીકરરીને મહિનામાં એક વાર મળવાની છૂટ આપી છે એવી માહિતી વિદેશ મંત્રાલયે આપી હોવાનું થાણેના સાંસદ નરેશ મ્હસ્કેએ જણાવ્યું હતું. આ ઉપરાંત અરીહાને ભારત પાછા લાવવાના પણ વિદેશ મંત્રાલયના પ્રયાસો યથાવત છે એમ તેમણે કહ્યું હતું.
વિદેશ મંત્રાલયના દાવા અનુસાર સાડા ત્રણ વર્ષની આ બાળકીને જર્મન સંસ્થા દ્વારા મંદિરે પણ લઈ જવાય છે અને તેને જૈન રીતરિવાજો તથા માતૃભાષા ગુજરાતીથી વાકેફ પણ કરાવાઈ રહી છે.
અત્રે એ યાદ રાખવું ઘટે કે નોકરી માટે જર્મની આવેલા પતિ-પત્નીની આ બાળકી માત્ર છ મહિનાની હતી ત્યારે તેને માર મારવામાં આવ્યાની શંકાને આધારે જર્મનીની કોર્ટે બાળકીને યુથ વેલ્ફેર ઓથોરિટીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નીચલી અદાલતે આપેલા આ આદેશને બર્લિન કોર્ટ ઓફ અપીલ દ્વારા જુલાઇ ૨૦૨૪માં બહાલી આપવામાં આવી હતી, એમ વિદેશ મંત્રાલય સાથે થયેલા પત્ર વ્યવહારને ટાંકીને મ્હસ્કેએ જણાવ્યું હતું.