મુંબઈમાં જીબીએસએ પહેલો ભોગ લીધોઃ 53 વર્ષીય દર્દીનું મોત
મહારાષ્ટ્રમાં જીબીએસથી કુલ આઠનાં મોત
બીએમસી કર્મચારી પુણેના પ્રવાસ બાદ ભોગ બન્યાઃ મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ કેસ
મુંબઈ - મુંબઈના વડાલામાં રહેતા અને બીએમસીના જ એક કર્મચારી ૫૩ વર્ષીય સુભાષ દેતેનું ગુઈલેન બેરી સિન્ડ્રોમના લીધે અવસાન થયું હતું. મુંબઈમાં જીબીએસથી મોતની હાલમાં આ પહેલી ઘટના છે. આ સાથે મહારાષ્ટ્રમાં જીબીએસથી મૃત્યુનો આંક આઠ થયો છે.
દેતેને ગઈ તા. ૨૩મી જાન્યુઆરીએ પગમાં નબળાઈની ફરિયાદ સાથે મહાપાલિકાની નાયર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. ગઈ તા. ૧૦મીએ તેમનું મૃત્યુ થયાનું બીએમસીએ આજે જાહેર કર્યું હતું.
સાંતાક્રુઝની બીએમસીની વી એન દેસાઈ હોસ્પિટલના કર્મચારી દેતેને ઝાડા કે તાવ જેવા ં કોઈ પૂર્વ લક્ષણો ન હતાં. જોકે, તેમને હાઈ બ્લડ પ્રેશર રહેતું હતું. તેઓ હોસ્પિટલમાં દાખલ થયાના ૧૬ દિવસ પહેલાં પુણે ગયા હતા.
મુંબઈમાં અત્યાર સુધી જીબીેસના ત્રણ કેસ નોંધાયા છે. પાલઘરની રહેવાસી ૧૬ વર્ષની કિશોરી જી.એસ.બી.ની બિમારીની સારવાર માટે નાયર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આ કિશોરીને તાવ આવે છે. યોગ્ય સારવારને લીધે તેની તબિયત સુધારા પર હોવાનું પાલિકાએ જણાવ્યું હતુ. આ અગાઉ અંધેરી પૂર્વમાં પણ એક કેસ નોંધાયો હતો.
પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે જીબીએસ કોઈ નવી બીમારી નથી. મુંબઈમાં તેનો ઉપદ્રવ પણ નથી. તેના ઉપચાર માટે આવશ્યક દવાઓ તથા અલગ બેડ પાલિકા હોસ્પિટલોમાં રખાયા છે. તાવ, ઝાડા, પગમાં કે હાથમાં અચાનક નબળાઈ જેવાં લક્ષણો ધરાવતા લોકોને તબીબી સલાહ લેવા જણાવાયું છે. મહારાષ્ટ્રના પુણેમાં જીબીએસના મહત્તમ કેસો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૯૨ કેસ નોંધાઈ ચૂક્યા છે.