12 વર્ષની બાળકી પર રેપ અને હત્યામાં વિકૃત વિશાળ ગવળી ઝડપાયો : એન્કાઉન્ટરની માંગ
બદલાપુર પ્રકરણ જેવો જ રોષનો ઉકળતો ચરુ, કલ્યાણમાં ભારે જનાક્રોશ
બાળકીની લાશ ફેંકવામાં મદદ કરનારી 3જી પત્નીની પણ ધરપકડઃ વિશાલનો ભૂતકાળ ખરડાયેલો છેઃ કલ્યાણમાં લોકો બેનરો સાથે માર્ગો પર ઉતયા
મુંબઈ : કલ્યાણમાં ૧૨ વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારીને હત્યા કરીને લાશને બાપગાંવના કબ્રસ્તાનની દિવાલ પાસે ફેંકી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી વિશાળ ગવળી સહિત ત્રણની ધરપકડ કરી હતી. તો અન્ય એક શખ્સ હાલ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ આ પ્રકરણમાં પણ બદલાપુર પ્રકરણ જેવો જ જનાક્રોશ ભભૂક્યો છે અને મુખ્ય આરોપીનું એન્કાઉન્ટર કરી દેવાની માગણી થઈ રહી છે.
કલ્યાણની આ ઘટના બાદ કલ્યાણ પૂર્વમાં સ્થાનિકોએ ભારે રોષ વ્યકત કર્યો છે. ઘણા સ્થાનિકોએ આ મામલે વિરોધ કૂચ કરી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરીને બેનરો અને પ્લેકાર્ડ હાથમાં પકડીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.
આ મામલે ડેપ્યુટી કમિશને જણાવ્યું હતું કે, સોમવારે સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ ૧૨ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે તે ઘરેથી દુકાનમાં સામાન ખરીદવા માટે બહાર નીકળી હતી.
જો કે, મોડી સાંજ સુધી બાળકી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આઠ નવ કલાકની શોધ બાદ પણ બાળકીની કોઈ ભાળ મળી નહતી. તેથી પરિવારજનોએ કોલસેવાડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
અપહરણના બીજા જ દિવસે મંગળવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ કલ્યાણ - ભિવંડી વચ્ચે બાપગાંવ ખાતે ક્બ્રસ્તાનની દિવાસ પાસેથી તેની લાશ મળી આવી હતી. આ કેસમાં હત્યા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.
આ કેસમાં હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને જો બાળકી પર બળાત્કાર ગુજાર્યાની પૃષ્ટિ કરાશે તો આ કેસમાં આરોપીઓ સામે અન્ય કાયદાકીય કલમો ઉમેરવામાં આવશે.
આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી વિશાલ ગવળીની બુલઢાણાના શેગાંવમાંથી આજે સવારે ધરપકડ કરી હતી. ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા પણ પોલીસે કબ્જે કરી છે.
મુખ્ય આરોપી ગવળી કોલસેવાડીનો રહેવાસી હતો અને અગાઉ પણ તેની સામે મિલકત સંબંધિત ગુનાઓ સહિત કેટલાક ફોજદારી કેસો નોંધાયેલા છે. તાજેતરમાં તે જામીન પર બહાર આવ્યો હતો. તેથી કલ્યાણ પૂર્વમાં તેની ગુંડાગરદી ચાલતી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી ગવળીએ ત્રણ વખત લગ્ન કર્યા છે તેથી તે વિકૃત માનસિકતા ધરાવતો હતો કે,કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. હત્યા બાદ તેની ત્રીજી પત્નીએ બાળકીની લાશ ફેંકવામાં તેને મદદ કરી હતી. તેથી આ ગુનામાં વિશાલની ત્રીજી પત્નીની પણ સંડોવણી ધ્યાનમાં લેતા તેની કલ્યાણથી ધરપકડ કરવામાં આવી હતી. તો અન્ય એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી.
વધુમાં પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે અને આ ગુનામાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી. તેથી પોલીસે આ મામલે તમામ એંગલોથી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન, કલ્યાણના માજી નગરસેવકે આ મામલે મુખ્ય આરોપીને રાજકીય આધાર મળતો હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી થઈ નથી રહી એવો આક્ષેપ કર્યા હતો. તો સ્થાનિકોએ આ મામલે બદલાપુરના મુખ્ય આરોપી શિંદેની જેમ ગવળીનું પણ એન્કાઉન્ટર કરવાની માંગ કરી રહ્યા છે.