142 કારોની આયાતમાં કસ્ટમ ડયૂટીની ચોરી માટે ગૌતમ સિંઘાનીયાને 328 કરોડનો દંડ
રેમન્ડના સીએમડી ગૌતમ સિંઘાનિયાને વૈભવી કારનો શોખ ભારે પડયો
કાર મ્યુઝિયમ બનાવવા માટે ૧૩૮ વિન્ટેજ કાર સહિત ૧૪૨ કારોની આયાત કરી હતી
મુંબઇ: અબજોપતિ ઉદ્યોગપતિ અને રેમન્ડ ગુ્રપના સીએમડી ગૌતમ સિંઘાનિયાએ ૧૪૨ વૈભવી કારોની આયાતમાં કથિત કસ્ટમ ડયુટીની ચોરી કરી હોવાનો આરોપ થયા બાદ તેમણે આ સમગ્ર પ્રકરણ સેટલ કરી ૩૨૮ કરોડ રૂપિયા સરકારની તીજોરીમાં ભરી દીધા હતા.
ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના આ આરાપ બાદ ચૂકવણી કરવામાં આવી હતી. સિંઘાનિયાએ ૨૦૧૮થી ૨૦૨૧ દરમિયાન આ વૈભવી કારો ખરીદી હતી. સિંઘાનિયા તરફથી આ ચૂકવણી થયા બાદ ડીઆરઆઇએ ક્લોઝર રિપોર્ટમાં જણાવ્યું હતું કે રેમન્ડ ગુ્રપે ૩૨૮ કરોડની ચૂકવણી કરી આ સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દીધો છે.
આ સંદર્ભે મીડિયા રિપોર્ટ મુજબ ગૌતમ સિંઘાનિયાએ આ કાર વિવિધ દેશોમાંથી સોથેવીઝ, બેરેટ- જેક્શન અને બોનહેમ્સ જેવા ઓક્શન હાઉસ પાસેથી ખરીદી હતી.
આ વૈભવીકારો યુએઇ, હોંગકોંગ અને યુએસથી મધ્યસ્થીઓની મદદથી જરૂરી ડયુટી ચૂકવ્યા વિના ૧૪૨ વાહનો આયાત કરવા બદલ ડીઆરઆઇએ સિંઘાનિયા સામે ડયુટી ચોરીનો કેસ દાખલ કર્ય ોહતો. સિંઘાનિયાએ ડીઆરઆઇને જે ૩૨૮ કરોડની ચૂકવણી કરી તેના વ્યાજ તેમજ ૧૫ ટકા દંડનો સમાવેશ થાય છે.
સિંઘાનિયા દ્વારા આયાત કરવામાં આવેલી ૧૪૨ કારમાં ૧૩૮ વિન્ટેજ કાર અને ચાર આરએન્ડડી વાહનોનો સમાવેશ થાય છે. ગૌતમ સિંઘાનિયા કમ્બાલા હિલ ખાતે કાર મ્યુઝિયમ બનાવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.