30 કરોડના કૌભાંડમાં ગૌરી ખાનની ઈડી દ્વારા પૂછપરછ થશે
રોકાણકારા અને બેન્કોના પૈસાની ઉચાપતનો આરોપ
લખનઉની રિયલ એસ્ટેટ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી ગૌરીને નોટિસ પાઠવાશેઃ તેના પ્રચારથી પ્રેરાઈને રોકાણ કર્યાનો અરજદારનો દાવો
મુંબઇ : લખનઉની એક રિયલ એસ્ટેટ કંપનીના ૩૦ કરોડના કૌભાંડમાં શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનને પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોટિસ ફટકારવામાં આવશે એમ જાણવા મળ્યું છે.
ગૌરી ખાન લખનઉનાં તુલસિયાની ગૂ્રપની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ગૂ્રપ પર રોકાણકારો તથા બેન્કોના ૩૦ કરોડ રુપિયા ઓળવી જવાનો આરોપ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસની તપાસ થઈ રહી છે અને હવે આ તપાસનો રેલો ગૌરી ખાન સુધી પણ પહોંચ્યો છે.
એન્ફોર્સમેન્ટ ડિેરેક્ટોરેટના સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌરી ખાન આ ગૂ્રપ સાથે કેટલા અંશે સંકળાયેલી છે અને તેમના નાણાંકીય વ્યવહારોમાં તેની કોઈ ભૂમિકા કે કોઈ હિસ્સેદારી છે કે કેમ તે વિશે તપાસ થશે. ગૌરી ખાન માત્ર બ્રાન્ડ અમ્બેસેડર હોય તો પણ તેને આ નાણાં કયાં ખાતાંમાંથી કે કેવી રીતે ચૂકવાયા તે બાબતે પૂછપરછ થઈ શકે છે.
ગૌરી ખાન સામે પૂછપરછ માટે નોટિસ જારી કરવાની કાર્યવાહી ઈડી દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ માટે ઈડીનાં વડાંમથકની મંજૂરી માગવામાં આવી છે. મંજૂરી બાદ ગૌરીને નોટિસ અપાશે તથા આ ગૂ્રપ સાથેના તેના વ્યવહારોના ખુલાસા માટે ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવા જણાવાશે. ગૌરી સાથે આ ગૂ્રપના કરારો તથા તેને સંબંધિત દસ્તાવેજોની પણ માગણી કરવામાં આવશે.
લખનઉના સુશાંત ગોલ્ફ સિટીમાં તુલસિયાની ગૂ્રપ દ્વારા એક પ્રોજેક્ટ લોન્ચ કરાયો હતો. તેમાં મુંબઈના કિરીટ જસવંત શાહે ૨૦૧૫માં ૮૫ લાખ રુપિયા ચૂકવીને એક ફલેટ ખરીદ્યો હતો. પરંતુ, કિરીટ શાહને હજુ સુધી આ ફલેટનો કબજો મળ્યો નથી કે ગૂ્રપ દ્વારા તેમને પૈસા પણ પાછા અપાયા નથી. આથી તેમણે તુલસિયાની ગૂ્રપના અનિલ કુમાર તુલસિયાની, મહેશ તુલસિયાની ઉપરાંત ગૌરી ખાન સામે કેસ દાખલ કર્યો છે.
કિરીટ જસવંત શાહે પોતાના દાવામાં એમ કહ્યું છે કે ગૌરી ખાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ ગૂ્રપની આ સ્કિમનો પ્રચાર કર્યો હતો. તેનાથી પ્રેરાઈને જ પોતે આ ગૂ્રપની સ્કિમમાં ફલેટ ખરીદવામાં રોકાણ કર્યું હતું.