Get The App

ગેટ-વે ઓફ ઇન્ડિયાનું સમારકામ આવતા મહિને પૂર્ણ થશે

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
ગેટ-વે ઓફ ઇન્ડિયાનું  સમારકામ આવતા મહિને પૂર્ણ થશે 1 - image


લગભગ ૨૧ લાખના ખર્ચે બંધાયેલા સ્મારકને નવો ઓપ આપવા કરોડોનો ખર્ચ

અનેક જગ્યાએથી પથ્થરો તૂટી ગયા હતા, પાણીનું ગળતર થતું હતું, હેરિટેજ લૂકને આંચ ન આવે તે રીતે સમારકામ 

મુંબઇ -  દેશ-વિદેશના પર્યટકો મુંબઇ આવે ત્યારે જેની મુલાકાત  લેવાનું ચૂકતા નથી એવાં પચરંગી મુંબઇની આગવી ઓળખ સમાન ભવ્ય સ્મારક ગેટ-વે ઓફ ઇન્ડિયાનું  સમારકામ કરી નવો ઓપ આપવાની કામગીરી આગળ વધી રહી છે. આ સમારકામ આવતા મહિને પૂરૃ થવાની શક્યતા છે.

દક્ષિણ મુંબઇના કોલાબા જેવા વૈભવશાળી વિસ્તારમાં આજે એક બન બી.એચ.કે. જેટલી જગ્યા લેવી હોય તો પણ  સહેજે બે-ત્રણ કરોડ રૃપિયા ખર્ચવા પડે છે. ત્યારે ૧૯૨૪માં ગેટ-વે ઓફ ઇન્ડિયાની ભવ્ય ઇમારત બંધાઇને તૈયાર થઇ ત્યારે કુલ ખર્ચ લગભગ ૨૧ લાખની આસપાસ થયો હતો. આજે તેના સમારકામ પાછળ ૭ કરોડનો ખર્ચ થવાનો છે.

પરતંત્ર ભાલતમાં ૧૯૧૧માં રાજા પંચમ જ્યોર્જ અને રાણી મેરી ભારતની મુલાકાતે આવ્યા ત્યારે મુંબઇના એપોલો બંદરે ઉતર્યા હતા. તેમના સ્વાગતની સ્મૃતિ રૃપે ગેટ-વે ઓફ ઇન્ડિયાની ભવ્ય ઇમારતનું નિર્માણ થયું હતું. જોકે રાજા પંચમ જ્યોર્જે તો આ સ્મારકના મોડેલને જોઇને જ સંતોષ માનવો પડયો હતો. કારણ કે સ્મારકનું વાસ્તવિક બાંધકામ ૧૯૧૫માં શરૃ થયું હતું અને ૧૯૨૪માં પૂરૃ થયું હતું. ટોચના બ્રિટિશ આર્કિટેક્ટ જ્યોર્જ વિટેટે તૈયાર કરેલી ડિઝાઇનને આધારે ભવ્ય પ્રવેશદ્વાર બંધાવ્યું હતું. ઇન્ડો-સાર્સેનિક શૈલી ઉપરાંત ગુજરાતી વાસ્તુકલા પરથી પ્રેરણા લઇ ગેટવે  ઓફ ઇન્ડિયાનું નિર્માણ થયું હતું.

છેલ્લાં ૧૦૦ વર્ષથી  અડીખમ ઉભેલી આ ઇમારતને દરિયાની ખારી હવાએ નુકસાન પહોંચાડયું હતું. મુંબઇમાં ગાંડાતૂર વરસાદની થપાટો ખાઇ ખાઇને પથ્થરની મજબૂત ઇમારતની અંદર પાણીનું ગળતર થવા માંડયું હતું. પથ્થરો પણ ઘણી જગ્યાએ તૂટી ગયા હતા. ઠેકઠેકાણે તિરાડો પડી ગઇ હતી.

ગ્રેડ-૧ હેરિટેજ ઇમારતની શ્રેણીમાં આવતા ગેટવે ઓફ ઇન્ડિયાના સ્મારકનું સમારકામ અને પ્લાસ્ટરિંગ કરી નવો ઓફ આપવાની કામગીરી મહારાષ્ટ્ર ડિરેકટોરેટ ઓફ આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ દ્વારા એપ્રિલ ૨૦૨૩થી સમારકામની શરૃઆત કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં જીર્ણોધ્ધારનું ૩૦ ટકા  કામ પૂરૃ થયું છે. ફેબુ્રઆરીના અંતે આ રિસ્ટોરેશન પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

બ્રિટિશ સમ્રાટના સ્વાગત માટે બંધાયેલા આ સમારકની વિશેષતા એ છે કે ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે બ્રિટિશ સૈનિકોની આખરી ટુકડી  આ ગેટ-વે ઓફ ઇન્ડિયા નીચેથી પસાર થઇને જહાજમાં બેસી ઇંગ્લેન્ડ જવા વિદાય થઇ હતી.



Google NewsGoogle News