દાદર, માટુંગા, સાયન, વડાલામાં ગેસ પુરવઠો ઠપઃ હજારો ઘરોમાં રસોઈ રઝળી
સાંજે રસ્તાના ખોદકામને લીધે ગેસ પાઈપલાઈનને નુકસાન
મુંબઈ - મુંબઈ મહાનગર ગેસ લિમિટેડની એક પાઇપ લાઇનને સાયન ખાતે રસ્તાના ખોદકામને લીધે નુકસાન થવાને કારણે આજે સોમવારે સાંજે રસોઈના ટાઇમે માટુંગા, દાદર, સાયન અને વડાલા પૂર્વ વિસ્તારમાં ગેસનો પુરવઠો ખંડિત થયો હતો. જેના કારણે રસોઈ માટે આ ઇંધણ પર આધાર રાખતાં ૮ હજારથી વધુ પરિવારોને અસર થઈ હતી. એટલું જ નહીં ઘણી હોટેલો પણ આ ગેસ પાઇપલાઇનનો ઉપયોગ કરતા હોવાથી તેમના કિચન બંધ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સંખ્યાબંધ લોકોએ ઓનલાઈન ઓર્ડરોનો મારો ચલાવ્યો હતો. કેટલાય લોકો નજીકમાં કમર્શિઅલ સિલિન્ડરનો ઉપયોગ કરતા ફૂડ સ્ટોલ્સ તરફ વળ્યા હતા.
મહાનગર ગેસના એક અધિકારીએ જણાવ્યું હતું કે સાયન (પૂર્વ)માં રોડ નં. ૨૭, સાયન સર્કલ, આર્યન કોલેજ પાસે મુંબઈ મહાનગર પાલિકાના રસ્તાનું કામ ચાલું છે. આજે સાંજે ૬.૩૦ વાગ્યાના સુમારે જેસીબી થકી ખોદકામ દરમિયાન ગેસની પાઇપને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેના પગલે સેફટીને કારણે તાબડતોબ આ ગેસ પુરવઠો બંધ કરી દેવાની નોબત આવી હતી .જોકે, સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.
આજે રાતે મોડે સુધી આ રિપેરિંગ ચાલુ રહશે. આવતી કાલે લગભગ સવારે ૮ વાગ્યાના સુમારે ગેસ પુરવઠો ફરી પુનઃસ્થાપિત થશે એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
આ ગેસ પાઇપલાઇનને નુકસાન થતાં માટુંગા, દાદર, સાયન અને વડાલા પૂર્વમાં ગેસ પુરવઠો બંધ કરાયો છે. આ અંગેની માહિતી સ્થાનિક રહેવાસીઓને એસએમએસ થકી જાણકારી આપી હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.
ગેસ બંધ થવાના કારણે આજે સાંજે અને આવતી કાલે સવારે ૮ વાગ્યા સુધી લોકોના રસોડા બંધ રહેશે. અનેક વર્કિંગ કપલ વહેલી સવારે રસોઈ કરીને ટિફિન લઈને ઘરેથી નીકળી જાય છે. તેમણે પણ આવતીકાલે સવારે ગેસ બંધ હોવાથી હાલાકી ભોગવવી પડશે.