મહારાષ્ટ્રમાં કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીકથી હડકંપ : વિઝિબિલિટી ઘટી, આંખોમાં થવા લાગી બળતરા

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીકથી હડકંપ : વિઝિબિલિટી ઘટી, આંખોમાં થવા લાગી બળતરા 1 - image


Maharashtra Ambernath Gas Leakage : મહારાષ્ટ્રના અંબરનાથ શહેરમાં ગેસ લીક થવાને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઝેરી ગેસની આશંકાએ સમગ્ર શહેરમાં અરાજકતાનો માહોલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ગેસ લીકેજ કેમિકલ કંપનીની ફેક્ટરીમાંથી થઈ રહ્યો છે. ગેસ લીકેજને પગલે સમગ્ર શહેરમાં ચારે તરફ કેમિકલનો ધુમાડા ફેલાઈ ગયો છે. ધુમાડાને કારણે લોકોને આંખો ખુલ્લી રાખીને કઈંપણ જોવામાં તકલીફ આવી રહી છે. માત્ર દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ જ નહિ આંખોમાં ખંજવાળ અને ગળામાં દુખાવાની પણ અનેક ફરિયાદો શહેરીજનો પાસેથી જાણવા મળી છે. આ પ્રકારની ઘટનાએ 39 વર્ષ પહેલા બનેલી ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદો તાજી કરી છે.

ધૂંધળા રસ્તાઓ :

સમગ્ર શહેરના લોકો ભયભીત છે. સોશિયલ મીડિયા પર અંબરનાથ શહેરના ઘણા ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેમિકલના ધુમાડાને કારણે રસ્તાઓ પણ સ્પષ્ટ નથી દેખાઈ રહ્યાં. લોકો આંખ પર ગોગલ્સ, નાક-મોંએ રૂમાલ-કપડું બાંધીને ઘરની બહાર નીકળી રહ્યાં છે. નજર પડે ત્યાં સુધી ચોતરફ રસ્તાઓ પર ધુમાડાની જ ચાદર પથરાયેલી દેખાય છે.

રેલવે ટ્રેક પણ અદ્રષ્ય :

રિપોર્ટ અનુસાર કેમિકલ ગેસ લીકની અસર છેક રેલવે સ્ટેશન અને રેલ વ્યવહાર સુધી પહોંચી ગઈ છે. ધુમાડાના કારણે રેલવે ટ્રેક પણ અદ્રશ્ય થઈ ગયા છે. જોકે સદનસીબે અત્યાર સુધી આ ગેસ લીકેજની કોઈ ભયંકર અસરો સામે આવી નથી, પરંતુ જો આ સ્થિતિ વધુ સમય રહેશે તો લોકોને શહેર છોડીને અન્યત્ર જવાની ફરજ પડી શકે છે.

તપાસનો ધમધમાટ :

આ ઘટના બાદ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. કેમિકલ ફેક્ટરીની તપાસ કરવામાં આવી રહી છે. જોકે ફેક્ટરીમાં ગેસ ક્યાંથી લીક થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. શહેરભરમાં અનેક ટીમો ઝેરી ગેસની અસર ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. લોકોને તેમના ઘરોમાં રહેવાની વિનંતી કરવામાં આવી છે. સદભાગ્યે આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી તેથી તંત્ર માટે રાહતના શ્વાસ લેવાનો સમય છે.

ભોપાલ ગેસ દુર્ઘટના યાદ આવી :

નોંધનીય છે કે 2 ડિસેમ્બર, 1984ની રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઈડ પેસ્ટીસાઇડ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થયો હતો. આ ભયંકર ઘટનામાં 3787 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાની ત્રાસદીની વાતો આજે પણ લોકોના અંતરમનને હચમચાવી નાખે છે. ભોપાલ ગેસ દુર્ઘટનાને હાલ 40 વર્ષ વીતી ગયા છે, પરંતુ તેની ભયાનકતા હજુ પણ લોકોના મનમાં જીવંત છે. હવે જ્યારે પણ કોઈ મોટી ગેસ લીકેજની ઘટના બને છે ત્યારે તમામના મનમાં આ ભોપાલ ગેસ ત્રાસદી જ ફરી નજરે ચઢે છે.


Google NewsGoogle News