મુંબઈની માર્કેટમાં લસણના ભાવમાં અડધોઅડધ ઘટાડો

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
મુંબઈની માર્કેટમાં લસણના ભાવમાં અડધોઅડધ ઘટાડો 1 - image


એમપી, યુપીથી થતી આવક બમણી થઈ 

રીટેલ માર્કેટમાં 500 થી 600 રુપિયે કિલો વેંચાતાં લસણના અત્યારે 250 થી 300 રુપિયા

મુંબઈ :  વાશી એપીએમસી જથ્થાબંધ માર્કેટમાં ફેબુ્રઆરીમાં લસણની કિંમત ૩૫૦ થી ૩૭૫ રુપિયા કિલોએ પહોંચી ગઈ હતી. પરંતુ અત્યારે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી આવક થવાને કારણે આજ લસણની કિંમત અડધોઅડધ ઘટી ગઈ છે. વ્યાપારીઓના કહ્યા મુજબ નજીકના ભવિષ્યમાં ફરી ભાવ વધવાની શક્યતા છે. પરંતુ અત્યારે અન્ય શાકભાજીના ભાવના વધારા વચ્ચે આ ઘટાડાથી ગૃહિણીઓને રાહત મળી છે.  

આ અઠવાડિયે વાશી એપીએમસી માર્કેટમાં દેશી લસણના ભાવ પ્રતિ કિલો આશરે ૮૦ થી ૧૦૦ રુપિયા તો મોટી કળીવાળા ઊટી લસણની કિંમત પ્રતિ કિલો ૧૦૦ થી ૧૫૦ રુપિયા જેટલી છે. 

માર્કેટના એક વેપારીના જણાવ્યાનુસાર, જૂનો માલ ખતમ થઈ ગયો હતો અને નવો માલ લીલો તથા ઓછી ગુણવત્તાનો હોવાથી જૂના માલની માગણી વધી હતી અને સામે સ્ટોક ઓછો હોવાથી છેલ્લાં બે મહિનાથી લસણના ભાવ ઊંચા રહ્યાં હતાં. 

હવે માર્કેટમાં દરરોજ લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦  બાચકાં લસણ લગભગ દસેક જેટલી ગાડીમાં ભરાઈને આવી રહ્યાં છે. જે પહેલાં રોજની આવતી ૧૫૦૦ ગુણીથી બમણી માત્રામાં છે. આથી દરરોજની આવક પ્રમાણે ભાવમાં કિલો દીઠ ૩૦ થી ૪૦ રુપિયાનો તફાવત જોવા મળી શકે. 

જથ્થાબંધ માર્કેટમાં ભાવ ઘટાડાની થયેલી અસર રીટેલ માર્કેટમાં પણ જોવા મળી હતી. જ્યાં છેલ્લાં બે મહિના દરમ્યાન લસણના ભાવ પ્રતિકિલોએ ૫૦૦ થી ૬૦૦ રુપિયાએ પહોંચ્યા હતાં ત્યાં હવે ૨૫૦ થી ૩૦૦ રુપિયા કિલોએ લસણ વેંચાઈ રહ્યાં છે.



Google NewsGoogle News