Get The App

ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને પકડીને ચીનથી ભારત લાવવામાં આવ્યો

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને પકડીને ચીનથી ભારત લાવવામાં આવ્યો 1 - image


મુંબઇ પોલીસની કામગીરી

હત્યા, ખંડણી જેવા ગંભીર ગુનામાં સામેલ પૂજારી સામે રેડ કૉર્નર નોટિસ જારી કરાઇ

મુંબઇ: હત્યા, ખંડણી, અપહરણ સહિતના ઘણા ગંભીર ગુનામાં સંડોવાયેલા ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનમાંથી દેશનિકાલ કર્યા પછી શનિવારે વહેલી સવારે પકડીને ભારતમાં  લાવવામાં આવ્યો હતો. મુંબઇ પોલીસે પૂજારીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે, એમ ઓફિસરે જણાવ્યું હતું.

પૂજારી ઉર્ફે સુભાષ  વિઠ્ઠલ પૂજારી ઉર્ફે સિદ્ધાર્થ શેટ્ટી ઉર્ફે સિધ્ધુ ઉર્ફે જોની અગાઉ કુમાર પિલ્લઇ અને  છોટા રાજન ગેંગ સાથે  સંકળાયેલો હતો.

તેની સામે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હોવાથી તે ચીનમાં રહેતો હતો. ગયા વર્ષે ત્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પૂજારીને દેશમાં પરત લાવવાનો સતત પ્રયાસ કરી  રહી હતી.

રેડ કોર્નર નોટિસ ઇન્ટરપોલના તમામ સભ્ય દેશોને ફરાર આરોપી વિશે ચેતવણી આપે છે. આ દેશમાં જોવા મળતા આ આરોપીની ધરપકડ કરવામાં આવે છે.

પૂજારી મુંબઇમાં ગોળીબાર, ખંડણી, હત્યા જેવા આઠ ગંભીર કેસમાં કથિત રીતે સંડોવાયેલો છે.

વિક્રોલીના ટાગોર નગરનો રહેવાસી પૂજારી ઘણા વર્ષો પહેલા દેશમાંથી ભાગી ગયો હતો. તેણે પૂર્વ મુંબઇના અનેક બિલ્ડર, બિઝનેસમેનને નિશાન બનાવી ગંભીર ગુના કર્યા હતા.

પૂજારીનું નામ ડિસેમ્બર ૨૦૧૯માં વિક્રોલી  વિસ્તારમાં રહેતા શિવસેનાના ચંદ્રકાંત જાધવ પર ગોળીબારના કેસમાં સામે આવ્યું હતું. ફેબુ્રઆરી, ૨૦૨૩માં હોંગકોંગમાં ઓથોરિટી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઇન્ટરપોલ દ્વારા  મળેલી માહિતીના આધારે પૂજારીની ગયા વર્ષે માર્ચમાં હોંગકોંગમાં  નકલી પાસપોર્ટ રાખવાના આરોપમાં ધરપકડ કરાઇ હતી. તે હોંગકોંગથી શેનઝેન (ચીનનું શહેર) ફલાઇટમાં જઇ  રહ્યો હતો. ત્યારે ઝડપાઇ ગયો હતો પૂજારીએ ચીનની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. તે પત્ની અને એક બાળખ સાથે શેનઝેન  રહેતો હતો, એમ અધિકારીએ કહ્યુ ંહતું.

૨૦૨૦માં ક્રાઇમબ્રાન્ચે પૂજારીની માતા ઇન્દિરાની વિક્રોલીના એક બિલ્ડરની પાસે ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરી હતી. બિલ્ડર પાસેથી રૂા.૧૦ લાખની ખંડણી માગતા તેની સામે  મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ (મકોકા) હેઠળ કાર્યવાહી કરાઇ હતી.

ઇન્ટરનેશનલ નંબરનો ઉપયોગ કરીને  પૂજારી ઉદ્યોગપતિ અને જાણીતા લોકો પાસેથી પૈસા પડાવતો હતો તેણે અગ્રણી ફિલ્મ દિગ્દર્શકો, નિર્માતાઓ,  બોલીવૂડના કલાકારોને મારી નાખવની ધમકીઓ આપી હતી. મુંબઇ થાણે, નવી મુંબઇમાં તેની ગેંગ સક્રિય હતી.

ચીનમાંથી દેશ નિકાલ કર્યા બાદ તેને શનિવારે રાતે ૧.૦૦ વાગ્યાની આસપાસ ભારત લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી મુંબઇ પોલીસે તેની સામે  વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૭, ૧૨૦-બી, મકોકા હેઠળ નોંધાયેલા  કેસમાં ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચમાં ખંડણી વિરોધી શાખાએ તેને કસ્ટડીમાં લીધો હતો


Google NewsGoogle News