Get The App

USમાં ઝડપાયો લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ: સલમાન ખાનના ઘરે ફાયરિંગ અને સિદ્દિકી હત્યાકાંડમાં છે આરોપી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
USમાં ઝડપાયો લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ: સલમાન ખાનના ઘરે ફાયરિંગ અને સિદ્દિકી હત્યાકાંડમાં છે આરોપી 1 - image


બિશ્નોઈ ગેંગના અનેક કારનામાં પર્દાફાશ થવાની વકી 

ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો ભાઇ અનમોલ બિશ્નોઇ અમેરિકામાં પકડાઇ ગયો છે. સૂત્રોનુસાર અનમોલને કેલિફોર્નિયામાં અટકમાં લેવામાં આવ્યો છે. અમેરિકી અધિકારીઓએ થોડા દિવસો પહેલા જ અનમોલ તેમના દેશમાં હોવાની પુષ્ટિ કરી હતી. મુંબઇ પોલીસે અનમોલ બિશ્નોઇના પ્રત્યાર્પણ માટેનો એક પ્રસ્તાવ મોકલી આપ્યો હતો. ત્યારબાદ  થોડા જ દિવસોમાં આ સમાચાર આવી પડયા છે. અનમોલ બિશ્નોઇ સલમાન ખાનના ઘર બહાર થયેલ ફાયરિંગ અને બાબા સિદ્દીકીની હત્યા સહિત અમૂક હાઇ-પ્રોફાઇલ ગુનાઓમાં આરોપી તરીકે તેનું નામ આપવામાં આવ્યું છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ તાજેતરમાં અનમોલ બિશ્નોઇ વિશે માહિતી આપનારને ૧૦ લાખ  રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. એનઆઇએએ ૨૦૨૨માં નોંધાયેલા બે કેસમાં અનમોલ  બિશ્નોજ  વિરૂદ્ધ ચાર્જશીટ  દાખલ કરી છે. ગયા મહિને મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ) કોર્ટમાં એક અરજી દાખલ કરી જણાવ્યું હતું કે તેઓ ભાગેડું ગુનેગાર અનમોલ બિશ્નોઇના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા માગે છે.

સલમાન ખાનના ઘર પર  ફાયરિંગ તથા બાબા સિદ્દિકી હત્યા કેસમાં સંડોવણી

ગેંગસ્ટર લોરેન્સ અને અમનોલ બિશ્નોઇને ૧૪ એપ્રિલના રોજ બાંદ્રામાં આવેલ બોલીવૂડના એક્ટર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર થયેલ ફાયરિંગના સંબંધમાં મુંબઇ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે દાખલ કરાયેલ ચાર્જશીટમાં પોલીસે લોરેન્સ બિશ્નોઇ અને અનમોલ બિશ્નોઇને આરોપી બનાવ્યા છે.

 અનમોલ બિશ્નોઇએ સલમાન ખાનના ઘરની બહાર થયેલી  ફાયરિંગની ઘટનાની જવાબદારી લીધી હતી. ત્યાર બાદ તેની વિરૂદ્ધ લુકઆઉટ સર્કયુલ્ર જારી કરવામાં આવ્યો હતો. આ બન્ને ભાઇઓ એનસીપીના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની  હત્યાના કેસમાં પણ આરોપી છે. બાબા સિદ્દીકીની ૧૨ ઓકટોબરના રોજ તેમના ધારાસબ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ નજીક ત્રણ બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ પુણેનો એક મોટો નેતા પણ બિશ્નોઇ ગેંગના રડાર પર હતો. તાજેતરમાં તિહાર જેલ પ્રશાસને શ્રધ્ધા વાલકર હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપી આફતાબ પૂનાવાલાની આસપાસ પણ સુરક્ષા વધારી દીધી હતી. કારણ કે બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે બિશ્નોઇ ગેંગ આફતાબ પૂનાવાલાને પણ નિશાન બનાવવાની યોજના બનાવી રહી હતી.

અનમોલ બિશ્નોઇ પંજાબના ગાયક સિધ્ધુ મૂસેવાલાની હત્યાનો પણ આરોપી છે. વર્ષ ૨૦૨૩માં એજન્સીએ તેમની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અહેવાલો અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી છૂટયો હતો. તે કથિત રીતે સતત તેના સ્થાન બદલતો રહે છે. તે ગયા વર્ષે કેન્યા અને કેનેડામાં જોવા મળ્યો હતો. એક સમાચાર અનુસાર તેની સામે ૧૮ ગુનાહિત કેસ નોંધાયેલા છે અને તેણે જોધપુર જેલમાં તેની સજા પણ ભોગવી છે. તેને ૭ ઓકટોબર, ૨૦૨૧ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસે  પ્રત્યાર્પણ માટે કેન્દ્રને દરખાસ્ત આપી છે

અનમોલ બિશ્નોઇ અને તેનો એક સંબંધી સચિન બિશ્નોઇ ગેંગ ઓપરેટ કરવામાં  મહત્વની ભૂમિકા ભજવે છે. લોરેન્સ બિશ્નોઇ જેલના સળિયા પાછળ છે ત્યારે અનનોલ એ સુનિશ્ચિત કરવાની જવાબદારી લે છે કે ગેંગને ખાસ કરીને નાણાકીય બાબતોમાં કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે. તપાસ અહેવાલો અનુસાર લોરેન્સનો સંબંધી સચિન બિશ્નોઇને સિધ્ધુ મૂસેવાલાની હત્યાની યોજના બનાવવામાં અને તેને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે હાલ ફરાર છે અને અન્ય દેશમાં છૂપાયેલો હોવાનું માનવામાં આવે છે અને ત્યાંથી ગેંગ માટે કામ કરે છે.


Google NewsGoogle News