તળોજા જેલમાંથી અન્યત્ર નહીં ખસેડવા ગેન્ગસ્ટર અબુ સાલેમની અરજી માન્ય
1993 બ્લાસ્ટના કસૂરવારને સુરક્ષા કારણોસર વચગાળાની રાહત
અંડા સેલ રિપેર કરવાનું હોવાથી કેદીઓને ખસેડવાની જેલ ઓથઓરિટીની હિલચાલ સામે અરજી કરી હતી
મુંબઈ : તળોજા સેન્ટ્રલ જેલના અંડા સેલનું રિપેરિંગ જરૃરી હોવાથી કસૂરવારો અને આરોપીઓને અન્યત્ર ખસેડવા પડશે એવી જેલ ઓથોરિટીએ વિશેષ કોર્ટમાં અરજી કરતાં મુંબઈ ૧૯૯૩ના બ્લાસ્ટ કેસમાં કસૂરવાર ગેન્ગસ્ટર અબુ સાલેમે સલામતીનું કારણ આપીને પોતાને અન્યત્ર ખસેડવામાં ન આવે એવી અરજી કરી છે.
સાલેમના વકીલોએ બે ઘટના ટાંકી હતી જેમાં સાલેમ પર હુમલો થયો હતો અને તેને જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું.
વકિલોએ ગેન્ગસ્ટર માટે વચગાળાની રાહત માગતી વખતે એવો પણ દાવો કર્યો હતો કે જો સાલેમને અન્ય જેલમાં ખેસડાશે તો સલામતીમાં ગંભીર ખામી થઈ શકે છે.
આદેશમાં વિશેષ જજ શેળકેએ જેલ ઓથોરિટીને આદેશ આપીને સાલેમને નહીં ખસેડવા નિર્દેશ આપ્યો છે. અરજીમાં જણાવેલી દલીલો અને વકિલની રજૂઆતને ધ્યાનમા ંરાખીને તળોજા જેલના સુપરિન્ટેન્ડન્ટને નિર્દેશ આપવામાં આવે છે કે સાલેમને જેલમાંથી ખસેડવામાં આવે નહીં, એમ જજે જણાવ્યુંહતું. કોર્ટ વધુ સુનાવણી ૧૯ જૂન પર રાખી છે.
સાલેમ અને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અભિનેત્રી મોનિકા બેદીને લિસ્બન ખાતેથી ઈન્ટરપોલે ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ ધરપકડ કરી હતી અને ૧૧ નવેમ્બર ૨૦૦૫ના રોજ ભારતીય એજન્સીને સોંપવામાં આવ્યા હતા. સાલેમ ૨૦૦૫થી તળોજા સેન્ટ્રલ જેલના અંડા સેલમાં છે.