પુણેમાં મિત્રને વૃક્ષ સાથે બાંધી યુવતી પર 3 નરાધમો દ્વારા ગેંગરેપ
પુણેમાં માઝા મૂકતી ગુનાખોરી, ઉપરાછાપરી ઘટનાઓ
યુવક યુવતી બંને બોપદેવ ઘાટ પર બેઠાં હતાં ત્યારે માનવ હક્ક કાર્યકરના સ્વાંગમાં ત્રણ લોકો ત્રાટક્યાઃ યુવકની મારપીટ પણ કરી
હેવાનિયત ભરેલાં કૃત્યથી ગંભીર ઈજા પામેલાં યુવક યુવતી સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા :નાગરિકોમાં ભારે આક્રોશત્રિપુટીને પકડવા પોલીસની 10 ટીમનું સર્ચ ઓપરેશન, બેના સ્કેચ બનાવ્યા
મુંબઇ : પુણેમાં ગઇકાલે રાતે મિત્ર સાથે ફરવા ગયેલી કોલેજની ૨૧ વર્ષીય વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવતા ફરી મહિલાની સુરક્ષા બાબતે કાયદા-વ્યવસ્થાને લઇને સવાલ ઉભો થયો છે. માનવાધિકાર સંગઠનના કાર્યકર્તા હોવાનો દાવો કરી ત્રિપુટીએ બંનેને ધમકાવી યુવકની મારપીટ કર્યા બાદ ઝાડ સાથે બાંધીને યુવતી પર ગેંગ રેપ કર્યો હતો.
યુવતીને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી આરોપીઓને પકડવા પોલીસની ૧૦ ટીમ બનાવવામાં આવી છે. પોલીસે બે આરોપીના સ્કેચ તૈયાર કર્યા છે જેના આધારે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત પોલીસે ત્રણ મોબાઇલ ફોન નંબર આપ્યા છે. અને નાગરિકોને અપીલ કરી છે કે જો કેસ વિશે કોઇ માહિતી મળે તો તેમનો સંપર્ક કરે.
પુણેમાં સ્કૂલ વૅનમાં ડ્રાઇવરે છ વર્ષીય બે વિદ્યાર્થિનીના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરી જાતીય શોષણ કરવાની ઘટનાથી લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઇ હતી. આ બનાવમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યાં વધુ એક ગેંગ રેપનો બનાવ પ્રકાશમાં આળતા વાળકી-મહિલાઓની સુરક્ષાને લઇને પરિસ્થિતિ ચિંતાજનક બની ગઇ છે.
પીડિત તરુણી અન્ય રાજ્યની છે. જ્યારે તેનો મિત્ર જળગાવનો છે. બંને કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. પુણેના બોપદેવ ઘાટ પરિસરમાં ગઇકાલે રાતે બંને ફરવા ગયા હતા. ત્યારે રાતે ૧૧ વાગ્યે યુવક-યુવતી ઘાટ પર ગપ્પા મારતા હતા. ત્યારે બાઇક પર આવેલા ત્રણ આરોપીએ તેમને ધમકાવ્યા હતા.
માનવધિકાર સંગઠનના કાર્યકર્તા હોવાનું જણાવીને બંનેનું અપહરણ કર્યું હોવાનું કહેવાય છે. તેમણે યુવકને માર માર્યો હતો તેને શર્ટ અને બેલ્ટથી ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યાર બાદ યુવતી પર ત્રણ હવસખોરે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો પછી નાસી ગયા હતા.
યુવક યુવતી જખમી થયા હતા . બંને ઘટનાસ્થળેથી સારવાર માટે ે સસૂન જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. તેવખતે પોલીસને આ બનાવની જાણ થઈ હતી. કોંઢવા પોલીસ સ્ટેશનની હદમાં બનેલી ઘટના અંગે પોલીસે કેસ નોંધી ફરાર આરોપીઓને પકડવા ૧૦ ટીમ બનાવી હતી.
પોલીસે એક ફોરેન્સિક ટીમને ક્રાઇમ સ્પોટ પર મોકલી હતી તેમજ ગુના સંબંધિત કડીઓ મેળવવા તપાસના ભાગરુપે ડૉગ સ્કવૉડની મદદ લેવામાં આવી હતી. પીડિતાના મિત્રએ કરેલા વર્ણનના આધારે બે શંકમદોના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતા.