સાંગલીના ગોઠખિંડી ગામમાં 44 વર્ષથી મસ્જિદ દ્વારા ગણેશ સ્થાપના
ગામમાં મોહર્રમ, ઈદ કે દિવાળી બધું સામૂહિક રીતે ઉજવાય છે
એક વર્ષ ભારે વરસાદને લીધે મુસ્લિમ બાંધવોએ આમંત્રણ આપ્યું અને આ પ્રથા શરૃ થઈ
મુંબઈ : દેશમાં કોમી એકતાનો ઉત્તમ દાખલો મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં જોવા મળે છે. સાંગલીના ગોઠખિંડી ગામમાં છેલ્લા ૪૪ વર્ષથી મસ્જિદ દ્વારા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.
ન્યુ ગણેશ મંડળના સભ્યોએ મસ્જિદની અંદર તહેવારની ઉજવણી કરીને બે સમુદાય વચ્ચે સુસંવાદિતનો દાખલો બેસાડયો છે.
મંડળના પ્રમુખ ઈલાહી પઠાણે જણાવ્યું હતું કે હિન્દુ અને મુસ્લિમો ગણેશોત્સવનો તહેવારો દર વર્ષે હર્ષોલ્લાસથી ઉજવે છે. ૧૯૬૧માં આ પરંપરા શરૃ થઈ હતી. એ વખતે ભારે વરસાદને કારણે સ્થાનિક મુસ્લિમોએ હિન્દુ પાડોશીઓને મસ્જિદની અંદર ગણપતિની સ્થાપના કરવા આમંત્રણ આપ્યું હતું, એમ મંડળના ભૂતપૂર્વ પ્રમુખ અશોક પાટિલે એક મરાઠી ે જણાવ્યું હતું.
ત્યાર બાદ અનેક વર્ષો સુધી તહેવાર ઉજવાયો નહોતો પણ ન્યુ ગણેશ મંડળ ૧૯૯૮માં સ્થાપિત થયું અને ત્યારથી દર વર્ષે અનોખી પરંપરા શરૃ થઈ હતી. ત્યારથી ૪૪ વર્ષથી ગણેશમૂર્તિ મસ્જિદમાં સ્થાપિત કરવામાં આવી રહી છે, એમ પાટીલે જણાવ્યુંહતું.
આ પ્રથાના મહત્ત્વ પર ભાર મૂકીને સમુદાયના સંબંધ પર તેની સકારાત્મક અસર થઈ રહી હોવાનું જણાવ્યું હતું.
ગોઠખિંડીમાં મોહર્રમ, દિવાળી અને ઈદ જેવા તહેવારો પણ સાથે મળીને ઉજવવામાં અવાતા હોવાનું મંડળના અન્ય એક સભ્યે જણાવ્યું હતું.