લાલબાગચા રાજાની પહેલી ઝલક સામે આવી, ગણપતિ દાદાના ભક્તો માટે મહારાષ્ટ્રમાં મોટું એલાન
Lalbaugcha Raja: આવતીકાલથી સમગ્ર દેશમાં ગણેશોત્સવ શરુ થશે. આ10 દિવસમાં દેશના વિવિધ શહેરોમાં ગણપતિ બાપ્પા બિરાજમાન થશે. એવામાં મુંબઈના લાલબાગના રાજાની આતુરતાથી રાહ જોવામાં આવે છે ત્યારે મુંબઈના વિખ્યાત લાલબાગના રાજાની ભવ્ય અને દિવ્ય ગણેશ મૂર્તિની ગુરુવારે પ્રથમ ઝલક આપવામાં આવી હતી.
આ વર્ષે લાલાબાગના રાજાની ઉજવણીને 90 વર્ષ પૂરા થયા છે. 1934માં પહેલી વખત લાલબાગમાં રહેતા માછીમારો અને વેપારીઓએ મળીને પહેલી વાર ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી.
દેશ-વિદેશથી લોકો દર્શન કરવા આવે છે
લાખોની સંખ્યામાં ભક્તો લાલબાગના ગણપતીના દર્શને આવે છે. માત્ર મહારાષ્ટ્રના ગામેગામથી જ નહીં, પરંતુ દેશ-વિદેશથી લોકો લાલબાગના ગણપતીના દર્શને આવે છે. લાલાબગ ચા રાજા નવસા ચા ગણપતી એટલે ભક્તોની માનતા પૂરી કરતા ગણપતી તરીકે ઓળખાય છે.
બાપ્પાની ઝલક જોઈને ભક્તો મંત્રમુગ્ધ
દર વર્ષે મુંબઈના લાલબાગના રાજાની આતુરતાથી રાહ જોવામાં આવે છે. મુંબઈના લાલબાગચા રાજાના મસ્તક પર 16 કરોડ રૂપિયાનો મુગટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. મરૂન કલરના વસ્ત્રોમાં સજ્જ બાપ્પાની ઝલક જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
પુતલાબાઈ ચોલમાં આવેલું, લાલબાગચા રાજા મુંબઈમાં સૌથી વધુ જોવા મળતું ગણેશ પંડાલ છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી, લાખો મુંબઈકર અહીં બાપ્પાની એક ઝલક જોવા માટે દર વર્ષે લાલબાગ ખાતે લાંબી કતારોમાં ઉભા રહે છે.
15 દિવસ ટોલ માફ
ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ગુરુવાર, 5 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી તમામ ગણેશ ભક્તો માટે ટોલ ટેક્સ માફ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે આની જાહેરાત કરી હતી. બુધવારે આ સંબંધમાં સરકારી નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. મુંબઈ-બેંગલુરુ નેશનલ હાઈવે, મુંબઈ-ગોવા નેશનલ હાઈવે અને જાહેર બાંધકામ વિભાગ હેઠળના અન્ય રસ્તાઓ પરના ટોલ બૂથ પર ટોલ ટેક્સમાં છૂટછાટ મળશે.
મહારાષ્ટ્રમાં હાઇવે પર ટોલ મુક્તિ મેળવવા માટે, વાહન માલિકોએ સેલ્ફ ડિક્લેરેશન પ્રોફાર્મા ફોર્મ ભરવું પડશે અને FASTag સ્ટીકર પર બ્લેક પેપર ચોંટાડવું પડશે.