પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
ગણેશ મૂર્તિના ઘડવૈયાના ગામ તરીકે જાણીતું
પેણની મૂર્તિઓ વિદેશ પણ મોકલાય છેઃ ઘર ઘરમાં મૂર્તિ ઘડવાનો ગૃહ ઉદ્યોગ
મુંબઇ : ગણેશ મૂર્તિના ઘડવૈયાઓના ગામ તરીકે મશહૂર રાયગઢ જિલ્લાના પેણ ગામની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. (જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગ એનાયત કરવામાં આવ્યું છે. આ ભૌગોલિક માનાંકનને લીધે પેણની મૂર્તિઓને આગવી ઓળખ મળી છે.
પેણ ગામમાં સંખ્યાબંધ પરિવારો પેઢીદરપેઢીથી ગણપતિની મૂર્તિઓ ઘડવાનું કામ કરે છે. આ મૂર્તિના કારખાના આખું વર્ષ ધમધમતા જ રહે છે. આ મૂર્તિઓ મુંબઇ, થાણે, નવી મુંબઇ ઉપરાંત આખા મહારાષ્ટ્રમાં મોકલવામાં આવે છે. હવે તો વિદેશમાં વસતા ગણેશભક્તો પણ ગણેશોત્સવ વખતે પેણથી જ મૂર્તિઓ મગાવીને સ્થાપના કરે છે.
પેણના ગણપતિની ખ્યાતિને કારણે કેટલાક ચાલબાજો પેણની મૂર્તિ છે એમ કહીને ગમે તે મૂર્તિ ગ્રાહકોને પધરાવી દેતા હતા. એટલે જ પેણના મૂર્તિકારોએ જી.આઇ. ટેગ મેળવવા માટે ગોઢ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારને અરજી કરી હતી. આ અરજી સ્વીકારીને કેન્દ્રના વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલય હેઠળના જ્યોગ્રોફિકલ ઇન્ડિકેશન રજીસ્ટ્રી વિભાગ તરફથી જી.આઇ. ટેગ એનાયત કરવામાં આવ્યુ ંહતું.