8 વર્ષની ભત્રીજી પર વારંવાર બળાત્કાર ગુજારનારા ફુવાને 20 વર્ષની કેદની સજા
લોકડાઉનમાં માતા ઉ.પ્ર.અટવાઈ જતાં પુત્રીને નણંદના ઘરે રાખી હતી
મીરા રોડમાં ઘરે રોકાવા આવેલી બાળકી પર 56 વર્ષીય આધેડ ફુવાના કૃત્યને કોર્ટે શરમજનક ગણાવ્યું
મુંબઈ - ૨૦૨૦માં સાળાની આઠ વર્ષની પુત્રી પર અવારનવાર બળાત્કાર કરવાના કેસમાં થાણેની વિશેષ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત જેલની સજા ફટકારી છે.
ન્યા. ભોસલેએ છઠ્ઠી જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું હતું કે ૫૬ વર્ષના આરોપીને લઘુતમ સજા આપવાનું કોઈ કારણ નથી અને તેને પ્રોટેક્સન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવવામાં આવે છે. પીડિત અને આરોપીની વયને ધ્યાનમાં રાખીને કોર્ટે ચુકાદો આપ્યો હતો. આરોપીએ જે રીતે જાતીય અત્યાચાર કર્યો છે એ અત્યંય વાંધાજનક અને શરમજનક કૃત્ય છે એમ કોર્ટે નોંધ્યું હતું.
કોર્ટે મીરા રોડના નયાનગરના રહેવાસી આરોપીને રૃ.એક હજારનો દંડ પણ ફટકાર્યો છે. માર્ચ ૨૦૨૦માં પીડિતાની માતા તેની નણંદના ઘરે આવી હતી. નણંદના પતિએ માર્ચ અને જૂન ૨૦૨૦ દરમ્યાન બાળકી પર અનેકવાર બળાત્કાર કર્યો હતો. પીડિતાની માતા ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ ગઈ હતી અને કોવિડ-૧૯ના લોકડાઉનને કારણે પાછી આવી શકી નહોતી. દરમ્યાન પીડિતા અન્ય સંબંધીના ઘરે ગઈ અને ત્યાં તેણે આપવિતી કહી હતી. માતાએ પાછા ફરીને ગુનાની જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. કોર્ટે પીડિતાને વળતર માટે કેસ ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સોંપવાનો આદેશ આપ્યો છે.