નિંદ્રા વ્યક્તિનો મૂળભૂત અધિકાર, આખી રાત પૂછપરછ કરી શકાય નહીં : હાઈકોર્ટ
ઈડીને આ સંબંધી પરિપત્રક જારી કરવાનો નિર્દેશ અપાયો
64 વર્ષીય આરોપીની ધરપકડ બાદ પરોઢિયે 3.30 વાગ્યા સુધી નિવેદન રેકોર્ડ કરતાં ઈડીની ઝાટકણી
મુંબઈ : મની લોન્ડરિંગ કેસમાં રાતભર વરિષ્ઠ નાગરિકની પૂછપરછ કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીકા કરીને બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે નિંદરનો અધિકાર એ માણસની મૂળભૂત જરૃરિયાત છે.મની લોન્ડરિંગના કેસમાં એજન્સીએ કરેલી ધરપકડને પડકારીને ૬૪ વર્ષના રામ ઈસરાનીએ કરેલી અરજીમાં કોર્ટે આદેશ આપ્યો હતો. ઈડીએ ઓગસ્ટ ૨૦૨૩માં ઈસરાનીની ધરપકડ કરી હતી.
ઈસરાનીએ અરજીમાં જણાવ્યું હતું કે પોતાની ધરપકડ ગેરકાયદે અને બિનજરૃરી છે કેમ કે તેણે તપાસમાં સહકાર આપ્યો હતો અને જ્યારે બોલાવે ત્યારે હાજરી આપી હતી.
સાત ઓગસ્ટ ૨૦૨૩ના રોજ તેને આખી રાત પૂછપરછ કરી હતી અને બીજા દિવસે ધરપકડ કરી હતી. કોર્ટે અરજી ફગાવી હતી પણ જણાવ્યું હતું કે આખી રાત પૂછપરછ કરવાની પ્રથાને અમે માન્ય કરતા નથી.
ઈડીએ જણાવ્યું હતંં કે ઈસરાનીએ આખી રાત પૂછપરછ કરવાને સંમતિ આપી હતી. અરજી મુજબ પરોઢિયે ત્રણ વાગ્યા સુધી પૂછપરછ થઈ હતી.
કોર્ટે નોંધ્યું હતું કે સ્વેચ્છાએ હોય કે ન હોય આ રીતે મોડી રાત સુધી ૩.૩૦ વાગ્યા સુધી નિવેદન રેકોર્ડ કરવાની રીત યોગ્ય નથી.નિંદ્રાનો અધિકાર અથવા ઝપકી લેવાનો અધિકાર મૂળભૂત જરૃરિયાત છે જે નહીં આપવાથી અધિકારનું હનન થાય છે. નિંદ્રાના અભાવે વ્યક્તિની તબિયત પર અસર થાય છે અને માનસિક રીતે નુકસાન થઈ શકે છે. જ્યારે એજન્સી પૂછતાછ માટે બોલાવે ત્યારે અજેન્સી હજી વ્યક્તિએ ગુનો આચર્યો હોવાના નિષ્કર્ષ સુધી પહોંચી નથી.
અરજદારની સંમતિ મુખ્ય વાત નથી. કસમયે નિવેદનો રેકોર્ડ કરવા એ વ્યક્તિના અધિકારનો ભંગ છે અને કુપ્રથા છે. ઈડીને નિવેદન નોંધાવવાના સમય અને સમન્સ ક્યારે જારી કરવું એ બાબતના નિર્દેશ આપતું પરિપત્રક જારી કરવાનો નિર્દેશ આપવો યોગ્ય ગણાશે, એમ કોર્ટે જણાવીને સુનાવણી નવ સપ્ટેમ્બર પર રાખી હતી.