હત્યાનો ભાગેડુ આરોપી 31 વર્ષ બાદ પત્નીનાં મોબાઈલ લોકેશનથી ઝડપાયો
- 1989 ના હત્યા કેસમાં 1992 માં જામીન મળ્યા બાદ ફરાર હતો
- પોલીસન ેશોધખોળ દરમિયાન મૃત્યુ પામેલો હોવાનું જણાવાતું હતું, આખરે દાયકાઓ પછી નાલાસોપારાથી પતો મળ્યો
મુંબઇ : મુંબઇ પોલીસે હત્યા કેસના એક ભાગેડુ આરોપીને ૩૧ વર્ષ બાદ પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતેથી ઝડપી લીધો હતો. આ સંદર્ભે વધુ વિગત આપતા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ દિપક ભિસે (૬૨) છે અને વર્ષ ૧૯૮૯માં તેણે રાજુ ચિકના નામના એક વ્યક્તિની હત્યા કરી હતી અને ધર્મેન્દ્ર સરોજ નામના વ્યક્તિની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
ભિસેની ધરપકડ બાદ વધુ વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે પોલીસને પ્રથમ ભિસેની પત્નીનો મોબાઇલ નંબર ફોન મળ્યો હતો. ત્યાર બાદ પોલીસે આ નંબરને ટ્રેક કરી આરોપીને ૩૧ વર્ષ બાદ આબાદ ઝડપી લીધો હતો. આરોપી ભિસે નાલાસોપારામાં સ્થિર થયો તે પહેલા તેણે ઘણા સરનામાઓ બદલ્યા હતા અને અંતે છેલ્લા બે વર્ષથી નાલાસોપારામાં રહેતો હતો. ભિસે ઝાડ કાપવાનો કોન્ટ્રાકટ લઇ ગુજરાન ચલાવતો હતો.
૧૯૮૯માં રાજુ ચિકનાની હત્યા અને ધર્મેન્દ્ર સરોજ નામના વ્યક્તિનો હત્યાનો પ્રયાસ કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ૧૯૯૨માં તેને જામીન મળ્યા હતા ત્યાર બાદ તે કયારેય કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યો નહોતો. ૨૦૦૩માં કોર્ટ તેને ભાગેડુ જાહેર કર્યો અને પોલીસને તેને શોધી કાઢવાનો આદેશ આપ્યો હતો. પોલીસ જ્યારે પણ તેના ઘરે કાંદિવલીમાં તુલસકર વાડી વિસ્તારમાં તેને શોધવા અને તેની ભાળ મેળવવા જાય ત્યારે સ્થાનિકો કાયમ તે મૃત્યુ પામ્યો હોવાની શંકા વ્યક્ત કરતા. જોકે પોલીસે તેને શોધવાનું ચાલું જ રાખ્યું હતું. આ તપાસને આગળ ચાલુ રાખતા પોલીસને ભિસેની પત્નીનો મોબાઇલ નંબર મળી આવ્યો હતો. આ નંબર ટ્રેક કરતા તેનું લોકેશન નાલાસોપારા બતાવવામાં આવ્યું હતું. અંતે શુક્રવારે રાત્રે પોલીસે નાલાસોપારામાં છટકું ગોઠવી ભિંસેને પકડી પાડયો હતો.
ભિસે નાલાસોપારામાં તેની પત્ની, બે પુત્રો અને એક પુત્રી સાથે રહેતો હતો અને ઝાડ કાપવાના કોન્ટ્રાકટ લેતો હતો. આ સંદર્ભે કાંદિવલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ નીતિન સાટમે જણાવ્યું હતું કે આરોપી ભિસેની આઇપીસીની કલમ ૩૦૭ (હત્યાના પ્રયાસ) હેઠળ ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યા બાદ થાણેની જેલમાં મોકલી આપ્યો હતો.