Get The App

ફળોના વેપારીઓના ગોરખધંધાઃ લેબલ કોંકણનું પણ કેરી આફુસની

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
ફળોના વેપારીઓના ગોરખધંધાઃ લેબલ કોંકણનું પણ કેરી આફુસની 1 - image


નવી મુંબઈ એપીએમસીની વેપારીઓને ચેતવણી

કેરી ખરીદવા ગયેલા એફડીએના અધિકારીને જ માઠો અનુભવઃ પરવાના રદ કરવા તથા માલ જપ્તીની ચિમકી

મુંબઇ :  નવી મુંબઈની એપીએમસી ફળ બજારમાં કોંકણની આફૂસની પેટીમાં કર્ણાટકની આફૂસ કેરી ગોઠવી વેચતા અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે એવી ચેતવણી માર્કેટ સત્તાવાળાએ આપી છે.

ગયા અઠવાડિયે એપીએમસી માર્કેટમાં કેરી ખરીદવા ગયેલા એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન)ના એક અધિકારીને વેપારીએ કોંકણની આફૂસના નામે કર્ણાટકની કેરી પધરાવી દીધી હતી. કેરીના વેચાણમાં આ રીતે થતી ફસામણી ધ્યાનમાં આવતા એફડીએના અધિકારીએ એપીએમસી પ્રશાસનને તત્કાળ પગલાં લેવા સૂચના આપી હતી. આને લીધે માર્કેટ પ્રશાસન સફાળું જાગ્યું હતું અને તરત જ સરક્યુલર બહાર પાડીને ચેતવણી આપી હતી કે કોંકણની આફૂસના નામે કર્ણાટકની કે બીજા કોઈ રાજ્યની કેરી વેંચનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત વેપારીનો માલ જપ્ત કરવામાં આવશે અને આડતિયાના પરવાના રદ કરવામાં આવશે, એવી તાકીદ કરવામાં આવી છે.

માર્કેટના સત્તાવાળાના જણાવ્યા મુજબ વાશીની ફળ બજારમાં કોંકણ ઉપરાંત કર્ણાટક, કેરળ અને ઉત્તર પ્રદેશથી કેરી આવે છે. માર્કેટના વેપારીઓ કેરીની પેટી ઉપર કયા રાજ્યની છે કઈ જાતીની છે તેનું લેબલ લગાડવાને બદલે મહારાષ્ટ્રની આફૂસના નામે વેંચતા હોય છે. છેલ્લાં દસ દિવસ દરમિયાન કોંકણની આફૂસને નામે કર્ણાટકની આફૂસ પધરાવવા સામે તેમ જ કોંકણની આફૂસની પેટીમાં નીચેના ભાગમાં કર્ણાટકની આફૂસ કેરી ગોઠવી વેંચવાના કારસ્તાન સામે ઘણી ફરીયાદો મળ્યા પછી માર્કેટ સમિતિવાળા જાગ્યા હતા અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા વેપારીઓ સામે પગલાં લેવાશે એવી ચેતવણી આપી છે. આને લીધે કેરીના વેપારીઓમાં અંદરખાને ફફડાટ પણ વ્યાપ્યો છે.

બીજી તરફ જોખમી રસાયણોથી કેરી પકાવવા ઉપર પ્રતિબંધ હોવા છતાં ઘણા વેપારીઓ નિયમનો ભંગ કરી રસાયણોની મદદથી કેરી પકાવતા હોય છે. આની સામે એફડીએ દ્વારા ફરીથી ચેતવણી આપવામાં આવી છે.

કોંકણની મોંઘી આફૂસ સાથે કર્ણાટકની સસ્તી આફૂસની ભેળસેળ

કોંકણની આફૂસની ચારથી પાંચ ડઝનની પેટીની કિંમત બેથી પાંચ હજાર રૃપિયાની હોય છે. તેની સાથે કર્ણાટકની ૧૦૦થી ૨૦૦ રૃપિયે કિલોના ભાવે વેંચાતી કર્ણાટકની સસ્તી આફૂસ કેરીઓ પેટીમાં ગોઠવીને વેંચવામાં આવે છે. માર્કેટના લગભગ ૫૦ ટકા વેપારીઓ આ રીતે ગ્રાહકોની બનાવટ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

કેરીના નિકાસકારોને વિમાની નૂરમાં વધારાથી ફટકો

કોકણની આફૂસ કેરીની પરદેશ નિકાસ કરતા ખેડૂતોને અને વેપારીઓને વિમાની નૂરમાં વધારાથી ફટકો ખમવો પડયો છે. એક કિલો કેરીનું એર-ફ્રેટ ૧૧૫ રૃપિયા લેવામાં આવે છે. ઉપરાંત નિકાસ માટેની કેરી ઉપર જીએસટી પણ વસૂલ કરવામાં આવે છે. 

શાકભાજી પરદેશ મોકલવા માટે પ્રતિકિલો ૮૫ રૃપિયા નૂર લેવામાં આવે છે, તો પછી કેરી પર શા માટે ૧૧૫ રૃપિયા વસૂલ કરવામાં આવે છે એવો સવાલ ઉઠાવ્યો છે. કોકણના કેરી ઉગાડતા ખેડૂતો અને નિકાસકારોએ હવાઇ નૂર ઘટાડવાની અને જીએસટી રદ કરવાની કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે સમક્ષ માગણી કરી છે.



Google NewsGoogle News