મુંબઈ એરપોર્ટ પરથી રુ. 8 કરોડના ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
- બેંગકોકથી આવેલા મુસાફરને બાતમીના આધારે અટકાવ્યો
- મુસાફરે બેગમાં રમકડા અને ખાદ્ય પદાર્થના પેકેટમાં ગાંજો સંતાડયો હતો
મુંબઇ : મુંબઈ કસ્ટમ અધિકારીઓએ શનિવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(સીએસએમટી) પરથી બેંગકોકથી આવતા એક મુસાફર પાસેથી રુ. આઠ કરોડનો ૮.૯૦૯ કિલો ગાંજો જપ્ત કર્યો હતો.
એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બેંગ્કોકની ફલાઈટમાંથી આવેલા પ્રવાસીને બાતમીના આધારે અટકાવ્યો હતો. પોલીસે મુસાફર પાસે રહેલા બેગની ઝિણવટભરી તપાસ કરી હતી. જેમાં બેગમાંથી મળેલા રમકડાં, ખાદ્ય પદાર્થના પેકેટોમાં અને અન્ય વસ્તુઓમાં ચતરાઈપૂર્વક સંતાડીને રાખવામાં આવેલ ૮.૯૦૯ કિલો ગાંજો મળી આવ્યો હતો. આ એટલી ચતૂરાઈપૂર્વક સંતાડવામાં આવ્યું હતું કે, પહેલી નજરે શોધવું પોલીસ માટે મુશ્કેલ બન્યું હતું.
આ ગાંજાની બજારમાં અંદાજિત કિંમત રુ. ૮ કરોડના હોવાની કહેવાય છે. આ તપાસ બાદ, પોલીસે પ્રવાસીની તરત જ ધરપકડ કરી હતી અને તેની સામે કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, ૧૯૮૫ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.