વાયેગ્રા વેચવાના બહાને અમેરિકી નાગરિકોનો ડેટા મેળવી છેંતરપિંડી
- વી મુંબઈના મોલમાં કોલ સેન્ટર ધમધમતું હતું
- મલાડથી અમેરિકી નાગરિકોનો ડેટા મેળવ્યો અને કારોબાર શરુ કર્યો, 23 લોકો સામે ફરિયાદ નોંધાઈ
મુંબઈ : નવી મુંબઈ પોલીસે વાશીના એક મોલમાંથી ચાલતાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કરી માલિક, મેનેજર સહિત ૨૩ લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ કોલ સેન્ટરમાંથી અમેરિકી નાગરિકોને વાયગ્રા, સિઆલિસ જેવી કામોત્તેજક દવાઓ વેચવાના બહાને તેમનો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડનો ડેટા મેળવી લઈ છેંતરપિંડી કરવામાં આવતી હતી.
પોલીસે આ કોલ સેન્ટર પર શનિવારે દરોડા પાડયા બાદ ૩.૯૭ લાખ રૂપિયાના કિંમતની હાર્ડડિસ્ક અને ઈલેક્ટ્રિક એસેસરીઝ ઉપરાંત અનેક ગેઝેટસ રિકવર કર્યા હતા. આરોપીઓએ વીસીડાયલ-નેકસ્ટીવા જેવા સોફટવેરનો ઉપયોગ કરીને આઉટબાઉન્ડ કોેલ કર્યા હતા. આ સંદર્ભે અધિકારીઓના જણાવ્યાનુસાર તેમણે આરોપીઓને આવા કૃત્યોમાં સંડોવાયેલા રંગે હાથ પકડયા હતા.
કોલ સેન્ટરના માલિતકે કથિત રીતે મુંબઈમાં મલાડ સ્થિત વ્યક્તિ પાસેથી યુએસના લોકોનો ડેટા ખરીદ્યો હતો. ત્યારબાદ કોલ સેન્ટરના કર્મચારીઓએ ખોટા નામે આ લોકોને કોલ કરી દવાઓ વેચવાનો પ્રયાસ કર્યો હતો. દવા-ડ્રગ્સના વેચાણની રકમ ખારઘરનીએક બેન્કમાં ખાતુ ધરાવતી ભારતીય કંપનીના ખાતામાં જમા કરવામાં આવતી હતી.નવી મુંબઈ પોલીસે આ પ્રકરણે આઈપીસીની કલમ ૪૧૯, ૪૨૦ અને ૩૪ તેમ જ આઈટી એક્ટ તેમ જ ટેલિગ્રાફ એક્ટ હેઠળ ૨૩ લોકો સામે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પહેલાં નવી મુંબઈ પોલીસે આજ રીતે નેરૂલના એક મોલમાંથી ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. આ લોકો પણ ઉક્ત પદ્ધતિ મુજબ સરખા સોફટવેરની મદદથી વાયેગ્રા અને અન્ય મેડિસિન વેચવાને બહાને યુએસના નાગરિકોની વિગત મેળવી તેમની સાથે છેતરપિંડી આચરતા હતા.પોલીસે આ પ્રકરણે ૧૩ જણ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી.