નકલી બેન્ક અધિકારીનો સ્વાંગ રચી મહિલા દ્વારા ૫૪ કરોડની ઠગાઈ
મેટ્રોપોલિટન રિજિયન આયર્ન એન્ડ સ્ટીલ કમિટી ભોગ બની
ઊંચા વ્યાજની લાલચ આપી એફડી પેટે રકમ લીધી, મુદ્દત વીત્યા બાદ કમિટીએ પૂછ્યું તો વ્યાજ અને મુદ્દલ પરત કરવામાં વિલંબ થશે તેવો બોગસ પત્ર આપ્યો
મુંબઈ : રાષ્ટ્રીયકૃત બેન્કના અધિકારી તરીકે ઓળખાણ આપી એક મહિલાએ મુંબઈ મેટ્રોપોલિટન રિજન આયર્ન એન્ડ સ્ટીલ કમિટીની સાથે રૃ.૫૪ કરોડથી વધુ છેતરપિંડી કરી હતી. નવી મુંબઈ પોલીસે મહિલા વિરુદ્ધ ક્સ નોંધ્યો છે.
કળંબોલી સ્થિત કમિટીના અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી મહિલાએ જૂન ૨૦૨૨માં કમિટીના સભ્યો અને પદાધિકારીનો સંપર્ક કરી પોતાની ઓળખ પનવેલની રાષ્ટ્રીયકૃત બેન્કના મેનેજર તરીકે આપી હતી. થોડા સમયમાં મહિલાએ તેમનો વિશ્વાસજીતી લીધો હતો પછી મહિલાએ તેમને કમિટીના ભંડોળને ફિકસ્ડ ડિપોઝીટમાં રોકાણ કરવા પર ઉંચા વ્યાજનું વચન આપ્યું હતું. ચાલબાજ આરોપીએ બોગસ દસ્તાવેજો સાથે કોટેશન સબમિટ કર્યું હતું. એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે રૃ.૫૪.૨૮ કરોડનું રોકાણ કર્યું હતું. આરોપી મહિલાએ તેમને બનાવટી રસીદો આપી હતી.
કમિટીએ ડિપોઝીટની મુદત પૂરી થયા પછી રિફંડ અને વ્યાજની માગણી કરી હતી. ત્યારે મહિલાએ ઉધ્ધત જવાબો આપ્યા હતા. તેમ જ રોકાણ કરેલી કે વ્યાજની રકમ પાછી આપી નહોતી.
આટલું જ નહીં આરોપી મહિલાએ ૨૪મે, ૨૦૨૪ના એક બનાવટી પત્ર આપ્યો હતો. બેન્કના ટ્રેઝરી અને ઈન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પત્ર જારી કરાયો હોવાનું દર્શાવીને રોકાણ કરેલી અને વ્યાજની રકમ પરત કરવા માટે વધુ સમય માંગવામાં આવ્યો હતો.
છેવટે છેતરપિંડી થઈ હોવાનું જણાવી કમિટીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ૪૨૦, ૪૬૫ અને અન્ય સંબંધિત કલમ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.