કાંદિવલીમાં બેન્કના કેશિયર સાથે જ એટીએમ બૂથમાં ફ્રોડ
સામાન્ય લોકો સાથે થાય તેવી ઠગાઈ બેન્કના કર્મચારી સાથે થઈ
વાતોમાં ફસાવી કાર્ડ અને પીન લઈ લીધાં , ઘરે પહોંચ્યા બાદ ૫૮ હજાર બાદ થઈ ગયાનો મેસેજ મળ્યો
મુંબઇ: સામાન્ય રીતે ફ્રોડસ્ટરો અજાણ અને અલ્પ શિક્ષિત લોકોને છેતરી તેમના પૈસા પડાવી લેતા હોય છે. જોકે કાંદિવલીમાં ફ્રોડસ્ટરોએ સરકારી બેન્કના જ એક કેશિયરને ઠગી લીધો હતો અને તેના ખાતામાંથી ૫૮ હજાર કઢાવી લીધા હતા. આ ઘટના બાદ છેતરપિંડીનો ભોગ બનેલા કેશિયરે કાંદિવલી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે બે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ફરિયાદી અનિલ ચવ્હાણ (૫૫) કાંદિવલી (વે) ના યુનિટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કેશિયર તરીકે કામ કરે છે. ચવ્હાણે પોલીસને આપેલી ફરિયાદ મુજબ ૨૭ ફેબુ્રઆરીના સાંજે બેન્કનું કામ પતાવી તેઓ દહીસર જવા નીકળ્યા હતા. આ સમયે તેમને અમૂક રોકડની જરૂર હોવાથી તેઓ પાસેના એક એટીએમ સેન્ટરમાં પૈસા કઢાવવા ગયા હતા તેમને ૨૦ હજાર રૂપિયા કઢાવવા હતા પણ તેમણે પ્રયાસો કર્યા પછી પણ આ રકમ ન નીકળતા તેમની પાછળ ઉભેલા બે અજાણ્યા વ્યક્તિએ તેમને મદદ કરવાનો ડોળ કર્યો હતો. તેમણે શું તકલીફ આવે છે તેવું કહી ફરિયાદી પાસેથી તેમનું કાર્ડ લઇ પૈસા કાઢવાના પ્રયાસ કર્યા હતા. આ બન્ને જણે પ્રયાસ કર્યા બાદ ચવ્હાણને પીન નંબર નાખવા જણાવ્યું હતું. ચવ્હાણે પીન નંબર નાંખ્યા બાદ પણ રોકડ ન નીકળતા તેઓ કાર્ડ લઇ ત્યાંથી નીકળી ગયા હતા.
ચવ્હાણ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમને મોબાઇલપર મેસેજ આવ્યા હતા જેમાં ચાર ટ્રાન્ઝેકશન દ્વારા તેમના ખાતમાંથી ૪૦ હજાર રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં પણ ત્યાર બાદ તેમના ખાતાના માધ્યમથી ૧૮ હજારની ખરીદી થઇ હોવાનું પણ જણાયું હતું. ચવ્હાણે તેમની પાસેનું કાર્ડ તપાસતા તે એટીએમ કાર્ડ તેમનું ન હોવાનું જણાયું હતું. તેમણે નોંધ્યું હતું કે એટીએમમાં હાજર બન્ને ફ્રોડસ્ટરે તેમને વાતોમાં પરોવી રાખી તેમનું મૂળ કાર્ડ બદલી નાંખ્યું હતું અને તેમને બીજું કાર્ડ આપ્યું હતું. આ લોકોએ તેમના મૂળ કાર્ડ અને પીન નંબરની વિગત મેળવી છેતરપિંડી આચરી હતી. આ મામલે કાંદિવલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.