ભિવંડીમાં દુકાનમાંથી ૨૯ મોબાઈલ ચોરનારા ચાર ઝડપાયા
- દુકાનની દિવાલમાં ગાબડું પાડીને અંદર ઘૂસ્યા હતા
- 150 થી વધુ સીસીટીવી ચેક કરી રિક્ષા અને ટ્રેન પ્રવાસનું પગેરું મેળવ્યું, પનવેલ અને પુણેથી ધરપકડ
મુંબઇ : ભીવંડીના કોનગાંવમાં એક દુકાનમાંથી રુ. ૮.૧૩ લાખની કિંમતના ૨૯ મોબાઈલ ફોનની ચોરી કરવા બદલ એક ગેંગના ચાર સભ્યોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ મામલામાં તમામ ચોરાયેલા ફોનો જપ્ત કર્યા હતા.
ભિવંડી વિસ્તારના સાઈ રેસિડેન્સી ખાતે આવેલી એક દુકાનમાં ૨૮ જુલાઈના રોજ વહેલી સવાર ે આ ચોરી કરાઈ હતી. જેમાં ચારેય ચોરો દુકાનની દિવાલ તોડીને અંદર ઘૂસ્યા હતા.
આ બાદ ચારેય ચોરોએ રુ. ૮.૧૩ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી લીધી હતી. આ મામાલામાં મોંઘા ફોનોની ચોરી અને પ્રારંભિક કડીઓના અભાવના કારણે ચોરોને પકડવા અત્યંત પડકાર સ્વરુપ પોલીસ માટે બની ગયું હતું.પોલીસે આ કેસમાં શકમંદોને શોધવા માટે ૧૫૦થી વધુ સીસીટીવી રેકોર્ડિંગ તપાસ્યા હતા. જેમાં તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ચોરોએ કોનગાંવથી પનવેલ સુધી ઓટો રિક્ષા અને ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી.
આ માહિતીના આધારે પોલીસે શરુઆતમાં ૬ ઓગસ્ટે પનવેલમાંથી ૨૬ વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવકની વધુ પૂછપરછ કરાતા પોલીસને પુણેના ઈન્દાપુરમાં તેના અન્ય સાથીદારો હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે કામગીરી કરતા પોલીસે ૪૦ અને ૫૩ વર્ષના વય જુથના ત્રણ અન્ય ચોરોની ધપકડ કરી હતી. પોલીસે ચોરાયેલા તમામ મોબાઈલ ફોનો પણ જપ્ત કર્યા હતા અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.