હૈદ્રાબાદમાં સલમાન ખાનના સિકંદરના શૂટિંગ દરમિયાન ચાર સ્તરની સુરક્ષા વ્યવસ્થા
લોરેન્સ બિશ્નોઇ તરફથી જાનથી મારી નાખવાની મળતી ધમકી વચ્ચે
રાઉન્ડ ધ ક્લોક 50થી 70 સુરક્ષા કર્મી સલમાનની સલામતીમાં રોકાયેલા રહે છે, 'ફલકનુમા પેલેસ' હોટેલને કિલ્લામાં ફેરવાઇ
મુંબઇ : બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ તરફથી મળતી સતત ધમકીઓ અને રાજકીય અગ્રણી બાબા સિદ્દીકીની સરા જાહેર હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા અભેદ કિલ્લા જેવી બનાવી નાંખવામાં આવી છે. સલમાન હાલ હૈદ્રાબાદમાં તેની આગામી ફિલ્મ સિકંદરનું શૂટિંગ કરી રહ્યો છે.
ધમકીઓ વચ્ચે હાલ સલમાનને ચાર સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. રાઉન્ડ ધ ક્લોક તેની સુરક્ષામાં ૫૦થી ૭૦ સુરક્ષા કર્મીઓ રોકાયેલા રહે છે જેમા તેની પર્સનલ સિક્યોરિટી, હૈદ્રાબાદ અને મુંબઇ પોલીસની ટીમ સાથે અર્ધલશ્કરી દળના નિવૃત્ત જવાનોની ટીમ અને તેના અંગરક્ષક શેરાની ટીમનો સમાવેશ થાય છે.
સલમાનની ફિલ્મ સિંકદરનું શૂટીંગ હાલ હૈદ્રાબાદમાં ચાર મિનાર નજીક ૩૨ એકરમાં ફેલાયેલ ફલકનુમા પેલેસમાં ચાલી રહ્યું છે. સલમાનની સુરક્ષાને લઇ ફલકનુમા પેલેસને કિલ્લામાં ફેરવી દેવામાં આવી છે. સિંકદરના નિર્માતા સાજીદ નડિયાદવાલા અને ડાયરેક્ટર ગઝની ફેમ એ.આર. મુરુગાદોસ છે. આ ફિલ્મની ટીમ સલમાનની સુરક્ષા સાથે કોઇ તડજોડ કરવા ઇચ્છતી નથી એટલે સલમાનની સુરક્ષા માટે કડક ઉપાયયોજના કરવામાં આવી છે.
એક અહેવાલ મુજબ ગેસ્ટ હોટલની રૃમ બુક કરી શકે છે પણ તેમને વિવિધ સ્તરની સુરક્ષા વ્યવસ્થામાંથી પસાર થવું પડે તેમ છે. શૂટિંગ દરમિયાન સમગ્ર હોટલ પરિસર છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને હોટલની મુલાકાત લેવા માગતા મુલાકાતીઓને બેવાર સ્ક્રીનિંગ કરવામાં આવે છે જેમાં હોટલની સિક્યોરિટી ટીમ અને સલમાનની અંગત સિક્યોરિટી ટીમનો સમાવેશ થાય છે.
ફલકનુમા પેલેસમાં ફિલ્મના શૂટ માટે ત્રણ સ્ટેન્ડિંગ સેટ બનાવવામાં આવ્યા છે જેમાંથી બે શહેરમાં છે પણ મુખ્ય લોકેશન હોટલ જ છે. સલમાન હોટલના એક ભાગમાં શૂટિંગ કરતો હોય તો પણ પ્રોડક્શન ટીમે સમગ્ર હોટલમાં અને આજુબાજુમાં સુરક્ષા કર્મચારી ગોઠવી દીધા છે. સરકારી સુરક્ષા સાથે જ સલમાનની ટીમે ડબલ લેયર તરીકે કામ કરવા માટે ખાનગી સિક્યોરિટી એજન્સીની પણ નિમણૂક કરી છે. સલમાન હાલ ૫૦થી ૭૦ જેટલા સિક્યોરિટી મેનની સુરક્ષા હેઠળ શૂટિંગ કરી રહ્યો છે. ખાનગી સિક્યુરિટીની આ ટીમમાં અર્ધલશ્કરી દળોના નિવૃત જવાનોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સલમાનના જૂના અને જાણીતા તેમજ વિશ્વાસુ અંગરક્ષક શેરાએ ચૂંટેલી ટીમના લોકો પણ સતત સલમાનની સુરક્ષામાં રોકાયેલા છે.
સલમાનની સિક્યોરિટી એટલી જોરદાર છે કે કોઇ વ્યક્તિ તેની સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી શકતી નથી. આ સિવાય સલમાન અને તેની ટીમ જે લીફ્ટ વાપરે તેમાં અન્ય કોઇને સાથે આવવાની પરવાનગી નથી. આ ઉપરાંત સલમાનની અવરજવર માટે એક ખાસ પ્રવેશદ્વાર ખુલ્લુ કરવામાં આવ્યું છે.
સલમાન ભલે હાલ હૈદ્રાબાદમાં શૂટિંગમાં વ્યસ્ત હોય પણ અહીં બાંદ્રામાં પણ સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત નિવાસસ્થાન બહાર ૫૦ જેટલા પોલીસકર્મી અને વધારાના ખાનગી સુરક્ષા રક્ષકો સુરક્ષામાં વ્યસ્ત છે. ગેલેક્સીમાં રહેતા લોકો સિવાય કોઇને અહીં પ્રવેશ કરવાની છૂટ નથી. આ સિવાય સલમાનના પિતા સલીમ ખાન સહિત તેમના પરિવારના અંગત સભ્યોને ઇમારત બહાર નીકળવા બાબતે પણ સખત સૂચના આપવામાં આવી છે.