ચુનાભઠ્ઠી ફાયરિંગમાં એક જ ગેંગના 4 શકમંદોની અટકાયત
યેરુણકર બીજી જાન્યુના પોતાના જન્મદિનના બેનર છપાવવા ગયો ત્યારે જ હત્યા
આ ગેન્ગની માર્યા ગયેલા નામચીન ગુંડા યેરુણકર સાથે જૂની દુશ્મની, પાંચમો આરોપી હજુ ફરાર
મુંબઇ : ચુનાભઠ્ઠીના આઝાદનગર વિસ્તારમાં રવિવારે બપોરે ધોળે દહાડે ફાયરિંગ કરી અહીંના નામચીન ગુંડા સુમિત (પપ્પુ) યેરુણકરનું અજાણ્યા હુમલાખોરેએ ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનામાં અન્ય ચાર જણ પણ ગંભીર ઇજા પામ્યા હતા જેમાં એક આઠ વર્ષની બાળાનો પણ સમાવેશ થતો હતો.
આ ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં મુંબઇ પોલીસે ચાર વ્યક્તિને ઝડપી લીધા હતા. પકડાયેલા આ તમામ શકમંદો એક જ ગેન્ગનો ભાગ છે. જ્યારે આ ઘટનામાં સંડોવાયેલા પાંચમા સભ્યની શોધખોળ ચાલી રહી છે. રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યે ત્રાટકેલા આરોપીઓએ આડેધડ ગોળીબાર કરી ૧૬ રાઉન્ડ છોડયા હતા જેમાં યેરુણકર સહિત તેના અન્ય ત્રણ સાગરિત અને એક આઠ વર્ષની બાળાને ગોળી વાગી હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા તમામની હાલત સ્થિર અને ભયમુક્ત છે. જો કે આ ઘટનાને પગલે આઝાદનગર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે.
આ સંદર્ભે વધુ વિગતઆપતા પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાં આશુતોષ ગાબંડે, સન્ની પાટિલ, નરેશ પાટિલ અને સાગર સાવંતનો સમાવેશ થાય છે. આ બધા આરોપીઓ ચુનાભઠ્ઠીના જ રહેવાસી છે. પાંચમા આરોપીની ઓળખ પ્રભાકર પચિન્દ્રે તરીકે કરવામાં આવી છે અને તે હાલ ફરાર છે.
રવિવારે ૩.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને તેની જાણ પોલીસ કન્ટ્રોલ રૃમને થતા પોલીસનો મોટા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમયે પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો હતો અને ગોળીબારમાં ઘાયલ થયેલા લોહીલુહાણ પાંચ જણને સાયન હોસ્પિટલમાં ખસેડયા હતા. ઘટના સ્થળે ઠેર- ઠેર ખાલી ગોળીના શેલ જોવા મળતા હતા. હોસ્પિટલમાં યેરુણકરને પોલીસે મૃત જાહેર કર્યો હતો તેને પેટ અને જાંઘમાં ગોળી વાગી હતી. યેરુણકર ગુનાહિત પ્રવૃત્તિનો લાંબો ઇતિહાસ ધરાવતો ગેન્ગસ્ટર હતો.
પોલીસના જણાવ્યાનુસાર મૃત ગેન્ગસ્ટર પપ્પુ યેરુણકરનો બીજી જાન્યુઆરીના જન્મ દિવસ આવતો હોવાથી તે આગામી જન્મદિવસ જોરશોરથી ઉજવવા માંગતો હતો. આ માટે તે અમૂક બેનર છાપવા તેના અન્ય સાગરિતો મદન પાટિલ (૫૪) રોશન લોખંડે (૩૦) આકાશ ખંડાગળે (૩૧) સાથે આઝાદ ગલ્લી ખાતેના એક સ્ટુડિયોમાં બેનર પ્રિન્ટ કરવા ગયા હતા. તેઓ જેવા ત્યાં પહોંચ્યા કે હરીફ ગેંગના સભ્યો ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર બંને ગેંગમાં ભૂતકાળથી દુશ્મની હતી. આરોપીઓએ જેમ યેરુણકર અને તેના સાગરિતોને જોયા કે તરત જ આડેધડ ગોળીબાર શરૃ કર્યો હતો. યેરુણકરના સાગરિતોએ પણ વળતો ગોલીબાર કરતા ગોળીઓના ધાણીફૂટ અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો. લોકો ભયના માર્યા આડેધડ દોડી ગયા હતા અને દુકાનોના શટર ધડાધડ પડી ગયા હતા. હુમલાખોરો નાસી ગયા બાદ પોલીસની વિવિધ પોલીસ સ્ટેશનનો ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચાધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ દરમિયાન ત્રિશા શર્મા નામની આઠ વર્ષની બાળાને પણ હાથમાં ગોળી વાગી હતી.
પોલીસે તમામ ઘાયલોને સાયન હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં યેરુણકરને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. ચુનાભઠ્ઠીના સ્થાનિક રહેવાસી વિનોદ વિશ્વકર્મા (૩૫) એ નોંધાયેલ ફરિયાદને આધારે પોલીસે આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા) ૩૦૭ (હત્યાનો પ્રયાસ) ૧૨૦ બી (ગુનાહિત કાવતરુ) અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.