રશ્મિકાના ડીપ ફેક વીડિયો કેસમાં ચાર શકમંદની અટકાયત

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
રશ્મિકાના ડીપ ફેક વીડિયો કેસમાં ચાર શકમંદની અટકાયત 1 - image


વીડિયોના ક્રિએટરની શોધ હજુ ચાલુ

મેટાએ આપેલી વિગતોના આધારે ભાળ મળી, વીપીએનનો ઉપયોગ થયો હતો

 મુંબઇ :  રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયો કેસમાં ચાર શકમંદોની અટકાયત કરવામાં આવી છે. જોકે, આ તમામ લોકો વીડિયો અપલોડ કરવામાં સંકળાયેલા હોવાનું કહેવાય છે. વીડિયો ક્રિએટ કરનાર મુખ્ય આરોપીની શોધખોળ હજુ ચાલી રહી છે. 

આ ચારમાંથી ત્રણ અટકાયતની ભાળ મેટા કંપનીએ આપેલી વિગતોના આધારે મળી છે. તેમણે પોતાની અસલી ઓળખ છૂપાવી હતી અને વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરી વીડિયો અપલોડ કર્યો હતો. 

જોકે, આ ચાર લોકોની સંડોવણી માત્ર વીડિયો અપલોડ કરવા પૂરતી જ હોવાથી તેમને પૂછપરછ બાદ છોડી દેવાય તેવી સંભાવના છે. દિલ્હી પોલીસ આ કેસમાં વધુ લોકોની પૂછપરછ પણ કરી શકે છે. 

ભારતીય મૂળની યુકેની મોડલ ઝારા પટેલનો બોલ્ડ જિમ ડ્રેસ સાથેનો એક વીડિયો મોર્ફ કરવામાં આવ્યો હતો અને તેમાં ઝારાની જગ્યાએ રશ્મિકાનો ચહેરો ગોઠવી દેવાયો હતો. વીડિયો જોનારને એમ જ લાગે કે રશ્મિકા બેહદ બોલ્ડ ડ્રેસમાં લિફ્ટમાં પ્રવેશી રહી છે તેવી રીતે આ વીડિયો ક્રિએટ કરવામાં આવ્યો હતો. 

રશ્મિકા પછી કાજોલ, આલિયા અને ઐશ્વર્યા રાયના ડીપ ફેક વીડિયો પણ વાયરલ થઈ ચૂક્યા છે. 

રશ્મિકાના ડીપ ફેક વીડિયો કેસમાં દિલ્હી પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે. જોકે, મેટા કંપની દ્વારા અસહકારના કારણે આ કેસમાં તપાસમાં વિલંબ થયો હતો.



Google NewsGoogle News