ડોમ્બિવલીના બિલ્ડરની હત્યાના કેસમાં ચારને આજીવન કેદ
- બે ફરાર છે, એક નિર્દોષ ઠર્યો
- 2015 મા ઉછીના પૈસાના વિવાદને લીધે શસ્ત્રોથી બિલ્ડરની હત્યા થઈ હતી
મુંબઈ : ડોમ્બિવલીમાં વર્ષ ૨૦૧૫માં પૈસાના વિવાદને લીધે બિલ્ડરની હત્યા કરવાના આરોપસર પકડાયેલા ચાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
કલ્યાણ કોર્ટના ડિસ્ટ્રીકટ જજ અને એડીશનલ સેશન્સ જજ પીઆર અષ્ટુરકરે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા), ૧૨૦બી ગુનાહિત કાવતરુ, ૨૦૧ (પુરાવાઓનો નાશ) સહિત વિવિધ ગુનાઓ માટે ચાર આરોપીને દોષિત ઠેરવ્યા હતા.
ડોમ્બિવલીના દાવડી ગામમાં રહેતા બિલ્ડર ગણેશ ચવ્હાણ (ઉં.વ.૩૬)એ એક આરોપી સંતોષ ચવ્હાણને રૂ.બે લાખ ઉછીના આપ્યા હતા. બાદમાં સંતોષ તેની ચૂકવણી કરવાનું ટાળતો હતો. પૈસાને લઈને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ બિલ્ડર ગણેશ દાવડી ગામની એક હોસ્પિટલ પાસે તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે સંતોષ ચવ્હાણ અને અન્ય આરોપીઓએ શસ્ત્રોથી બિલ્ડર પર હુમલો કરતા તેમનું મોત નિપજ્યું હતું, એમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.
આ કેસમાં કુલ સાત આરોપી હતા. એક આરોપી રિક્ષા ડ્રાઈવર હતો. તેને શંકાનો લાભ આપતા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો. એક આરોપી ઘટના બાદથી ફરાર છે. જ્યારે બીજો આરોપી હંગામી જામીન મળ્યા બાદ નાસી ગયો હતો. બંનેની શોધખોળ ચાલી રહી છે.
એડીશનલ પબ્લિક પ્રોસિકયુટર કાદમ્બિની ખડાંગલેએ જણાવ્યું હતું કે 'આરોપીઓ સામેનો ગુનો પુરવાર કરવા ૨૧ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.