દાઉદની માતાના નામની ચાર પ્રોપર્ટીનું શુક્રવારે લિલામ
રત્નાગિરીના મુંબકે ગામની 4 ખેત જમીન માટે બોલી લગાવાશે
દાઉદના બાળપણનાં ઘર સહિત ખેતરો માટે તળિયાંની કિંમત 19 લાખ રુપિયા નક્કી કરાઈઃ અગાઉ 11 પ્રોપર્ટી લિલામ થઈ છે
મુંબઇ : ભાગેડું ગેન્ગસ્ટર દાઉદ ઇબચ્રાહિમની પ્રોપર્ટીઓના લિલામની પ્રક્રિયા નવેસરથી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન હવે તેની માતાની અમૂક પ્રોપર્ટીઓનું પણ લિલામ હાથ ધરવામાં આવશે. શુક્રવારે દાઉદની માતાની રત્નાગિરીના મુંબકે ગામમાં આવેલ ચાર ખેતરની લિલામીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચારેય ખેતરદાઉદની માતા અમિનાબીના નામ પર છે. છેલ્લા નવ વર્ષમાં દાઉદ અને તેના સંબંધીઓની ૧૧ જેટલી પ્રોપર્ટીનું લિલામ હાથ ધરવામાં આવ્યું છે.
રત્નાગિરીના મુંબકેમાં આવેલ દાઉદની અમૂક પ્રોપર્ટીઓના લિલામની પ્રક્રિયા પર હાથ ધરવામાં આવી છે. જેમાં ૨૦ ગુંઠાથી વધુની ખેતીની જમીનનો સમાવેશ થાય છે. દાઉદની ચાર પ્રોપર્ટીમાંથી એક ખેતરની કિંમત ૯.૪૧ લાખ જ્યારે અન્ય ખેતરની કિંમત ૮.૮ લાખ નક્કી કરવામાં આવી છે. આ જમીનો સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સ્ચેન્જ મેનીપ્યુલેટર્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી છે. ચારેય જમીનની કુલ કિંમત ૧૯ લાખ રુપિયા અંદાજવામાં આવી છે. લિલામ મુંબઈ ખાતે હાથ ધરાશે.
આ જમીનના લિલામ બાબતની નોટિસ ૨૧ નવેમ્બર, ૨૦૨૩ના બહાર કાઢવામાં આવી હતી. દાઉદ ઇબ્રાહિમ મૂળ રત્નાગિરી જિલ્લાના ખેડ તાલુકાનો મુંબકે ગામનો રહેવાસી છે. અહીં તેનો બંગલો અને કેરીની વાડી આવેલી છે જ્યારે લોટે અને ખેડમાં મળી કુલ છ વિવિધ પ્રોપર્ટી પણ આવેલી છે.
થોડા સમય પહેલા જ દાઉદને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું હોવાની અફવા ઉડી હતી. આ સિવાય તેની તબિયતને પણ લઇ તે સતત ચર્ચામાં રહે છે. ત્રણ વર્ષ પહેલા પણ ૨૦૨૦માં દાઉદની ૧.૧૦ કરોડની પ્રોપર્ટીનું લિલામ કરવામાં આવ્યું હતું.