કાંદિવલીમાં ગગનચુંબી ઈમારતમાં આવેલી હોસ્પિટલમાં આગમાં ચાર ઘાયલ
ઈલેકટ્રીકલ વાયરિંગ, ઈન્સ્ટોલેશન, સેન્ટ્રલાઈઝ એસીના કોમ્પ્રેસરને નુકસાન
મુંબઈ: કાંદિવલી (પશ્ચિમ)માં આવેલી એક હોસ્પિટલમાં આજે આગ ભભૂકી હતી. આગમાં ચાર જણા ૧૫થી ૪૦ ટકા દાઝી ગયા હતા. એમ પાલિકા અધિકારીએ કહ્યું હતું.
કાંદિવલી (પશ્ચિમ) સ્થિત ન્યૂ લિંક રોડ પર મહાવીરનગર પાસે ૩૦ માળની આશિષ કેસર બિલ્ડિંગમાં આવેલી વિન્સ હોસ્પિટલમાં આજે બપોરે ૧.૫૨ વાગ્યે આગ ભભૂકી હતી. જેના લીધે ગભરાટ ફેલાઈ ગયો હતો.
આગમાં સ્વાધિન મુખી (ઉં.વ.૫૬) ૪૦ ટકા, રાજદેવ (ઉં.વ.૩૫) ૧૫ ટકા, નરેન્દ્ર મોર્ય (ઉં.વ.૪૫), સુનિલ (ઉં.વ.૩૫) દાઝી ગયા હતા. આગમાં ઈલેકટ્રીકલ વાયરિંગ, ઈન્સ્ટોલેશન, સેન્ટ્રલાઈઝ એસી યુનિટના કોમ્પ્રેસરને નુકસાન થયું હતું.
ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમની તબિયત સ્થિર છે, એમ પાલિકા અધિકારીએ જણાવ્યું હતું. આગ શોર્ટ સર્કિટ કે અન્ય ક્યા કારણથી લાગી એની તપાસ ચાલી રહી છે.