નાસિક પાસે ટ્રક સાથે ટક્કરથી બસના ફૂરચાઃ 4નાં મોત

Updated: May 1st, 2024


Google NewsGoogle News
નાસિક પાસે ટ્રક સાથે ટક્કરથી બસના ફૂરચાઃ 4નાં મોત 1 - image


નાસિક જતી વસઈ ડેપોની બસને અકસ્માત

34 પ્રવાસીઓને ગંભીર ઈજાઃ અમૂક  પ્રવાસી બસમાંથી બહાર ફેંકાઇ ગયા

મુંબઇ :  નાશિકમાં વસઇ ડેપોની એસટી બસ અને ટ્રક ટકરાતા થયેલા ભીષણ અકસ્માતમાં એક મહિલા, ૧૪ વર્ષીય કિશોર સહિત ચાર પ્રવાસી મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. જ્યારે ૩૪ પ્રવાસીને ઇજા થઇ હતી. આ દુર્ઘટનાના લીધે બસમાંથી અમૂક પ્રવાસી બહાર રસ્તા પર ફેંકાઇ ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમાંથી નવની હાલત ગંભીર છે.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની વસઇ ડેપોની બસ નાશિક જઇ રહી હતી. નાશિકના ચાંદવડ પાસે રાહુડ ખાતે આજે સવારે ૯.૧૫ વાગ્યે ઓવરટેક કરવાના પ્રયાસમાં બસ અને ટ્રકની જોરદાર અથડામણ થઇ હતી.બસનો ડાબી તરફનો ભાગ ટ્રક સાથે ટકરાયો હતો. જેના લીધે બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ બસમાં ૪૫થી ૫૦ જણ પ્રવાસ કરતા હોવાનું કહેવાય છે. અકસ્માતમાં ગંભીર ઇજા થતા સાઇ દેવરે (ઉં.વ.૧૪), બળીરામ આહિરે (ઉં.વ.૬૪),સુરેખા સાળુંખે (ઉં.વ.૫૮), સુરેશ સાવંત (ઉં.વ.૨૮)નું મૃત્યુ થયું હતું. ઘાયલ ૩૪ પ્રવાસીની ચાંદવડની સરકારી હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. 

ચાંદવડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વાઘે જણાવ્યું હતું કે અકસ્માત બાદ થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાય ગયો હતો. બંને વાહનને રસ્તા પરથી ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.  દુર્ઘટનામાં અમૂક પ્રવાસીની તબીયત નાજુક હોવાથી મૃત્યુનો આંકડો વધી શકે છે એમ કહેવાય છે.



Google NewsGoogle News