મુમ્બ્રામાં ચોર હોવાની શંકાથી યુવકની હત્યા કરનારા ચારની ધરપકડ
- ચાર આરોપીએ યુવકને ઢોર માર મારીને લાશ ઝાડીઓમાં ફેંકી દીધી
- મૂળ કોલકત્તાના રહેવાસીની લાશ મળ્યા બાદ પોલીસે જુદી જુદી લીડ પર કામ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો
મુંબઈ : મુમ્બ્રામાં ચોર હોવાની શંકાના આધારે કોલકાતાના ૩૫ વર્ષીય યુવકની મારપીટ કરી હત્યા કરનારા ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
મુમ્બ્રા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર અનિલ શિંદેએ જણાવ્યું હતું કે ૨૪ જુલાઇના દિવા વિસ્તારમાં ઝાડીઓમાંથી શોવિક ગૌર શ્રીમાની ની લાશ મળી હતી. તે મૂળ કોલકાતાનો રહેવાસી હતો. પોલીસને મૃતકના પોસ્ટમોર્ટમ દરમિયાન તેનું મૃત્યુ ગંભીર માર મારવાના કારણે થયું હોવાનું માલૂમ પડયું હતું. આના પગલે પોલીસે હત્યાનો કેસ નોંધી તપાસ શરૃ કરી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે ગયા બુધવારે સવારે ૫.૦૦ વાગ્યાની આસપાસ શોવિક મુમ્બ્રાના કાર વૉશિંગ સર્વિસ સેન્ટર પાસે આવ્યો હતો. ત્યાં પહેલાથી ચાર આરોપી બેસેલા હતા.ત ેમણે ચોર હોવાની શંકાથી શોવિકને ઢોર માર માર્યો હતો. પછી તેને બળજબરીથી રિક્ષામાં બેસાડી ફરી ઢોર માર માર્યો હતો જેના કારણેગંભીર ઇજા થતા શોવિકનું મૃત્યું થયું હતું. ત્યારબાદ આ ટોળકીએ તેની લાશ ઝાડીઓમાં ફેંકીને પુરાવાનો નાશ કર્યો હતો.
પોલીસની ટીમે જુદી જુદી લીડ પર કામ કરી આરોપી સુલતાન મેહમૂદ શેખ (ઉ.વ.૨૮) રિતેશ રાજેન્દ્ર પ્રસાદ રાજભર (ઉ.વ.૨૮) આકાશ શરદ ભોઇર (ઉ.વ.૨૮) અને જીતેશ ભોઇર (ઉ.વ.૩૦)ને પકડી લીધા હતા. આરોપીઓ વિરૃદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.