સસ્પેન્ડેડ પ્રોફેસર દ્વારા મુંબઈ યુનિ.ના માજી વીસી પર હુમલો
કલ્યાણમાં પ્રોફેસર સહિત 6 સામે ગુનો દાખલ કરાયો
નોકરી પર ફરી રાખવાનું કહેવા માજી વીસીના ઘરે ગયા, ઈનકાર કરતાં માર માર્યોઃ ઘાયલ ડો. પ્રધાન હોસ્પિટલમાં
મુંબઇ : સસ્પેન્ડ કર્યાનો ગુસ્સો મનમાં રાખી અને ફરીથી નોકરી પર ન લેવાતા ભડકેલા એક પ્રોફેસરે મુંબઇ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. અશોક પ્રધાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ડૉ. પ્રધાન ઘવાયા હતા. ત્યાર બાદ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. આ પ્રકરણે કલ્યાણના મહાત્માફૂલે પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર સહિત કુલ છ જણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સંદર્ભે સૂત્રોનુસાર સસ્પેન્ડેડ પ્રોફેસર સંજય જાધવ જ્યારે મુંબઇ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમની ગેરવર્તણૂક અને કાર્યશૈલી બાબતે ઘણી ફરિયાદ મળતા ડૉ. અશોક પ્રધાને ચાર વર્ષ પહેલા તેઓ વીસી હતા ત્યારે જાધવને સસ્પેન્ડ કર્યા હતા. પ્રોફેસર સસ્પેન્ડ થતા તેમને આર્થિક અડચણ આવી રહી હતી. દરમિયાન રવિવારે જાધવ સહિત ચાર જણ સાથે ડૉ. પ્રધાનને મળવા તેમના કલ્યાણ (વે)ના કર્ણિક રોડ પર આવેલા બંગલામાં મળવા ગયા હતા.
જાધવે ડૉ. પ્રધાનને ફરીથી નોકરી પર રાખવાની વિનંતિ કરી હતી. જોકે પ્રધાને આ વાત નકારી દેતા થોડા સમય બાદ આરોપી જાધવે ડૉ. પ્રધાન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ઘરમાં હાજર ડૉ. પ્રધાનના પત્નીએ તરત જ આ વાતની જાણ પોલીસને કરતા પોલીસની એક ટીમ ડૉ. પ્રદાનના બંગલે પહોંચી ગઇ હતી અને ઇજા પામેલા ડૉ. પ્રધાનને પાસેની હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં સારવાર આપ્યા બાદ ડૉ. પ્રધાનને રજા આપવામાં આવી હતી.
આ પ્રકરણે કલ્યાણના મહાત્માફૂલે પોલીસે જાધવ સહિત કુલ છ જણ સામે આઇપીસીની કલમ ૧૪૩, ૧૪૭, ૪૫૨, ૩૪૧, ૫૦૪, ૩૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.