ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં માજી રેલવે કમિશનર ખાલિદની ભૂમિકા શંકાસ્પદઃ કોર્ટ
પત્નીના બિઝનેસ પાર્ટનર અર્શદ ખાન સાથે સંબંધ હોવાની કોર્ટે નોંધ લીધી
પાલિકાની પરવાનગી અને હોર્ડિંગના કદનો નિયમ લાગુ પડે નહીં એ માટે ફેરફાર કરાયાનું કોર્ટનું નિરીક્ષણ
મુંબઈ - ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં રેલવેના ભૂતપૂર્વ કમિશનર કૈસર ખાલિદની ભૂમિકા પર મુંબઈ પોલીસે વલણ સ્પષ્ટ કર્યું નથી પણ સેશન્સ કોર્ટને તેમના વર્તન તેમની પત્નીના વ્યાવસાયિક ભાગીદાર અર્શદ ખાન સાથેના સંબંધો શંકાસ્પદ લાગ્યા છે.
સેશન્સ કોર્ટે ગયા સપ્તાહે ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. વિસ્તૃત આદેશમાં એડિશનલ સેશન્સ જજ એસ. બી. પવારે નિરીક્ષણ કર્યું હતું કે તપાસ અધિકારીએ આરોપનામામાં એવી અનેક ઘટનાઓ ટાંકી જે જેને લઈને ખાલીદે ઈગો મીડિયા પ્રા. લિ. સાથેના વ્યવહારમાં મહત્ત્વની ભૂમિકા નીભાવી હોવાની શંકા ઉપજે છે. પ્રથમ દ્રષ્ટીએ જણાય છે કે ખાન ખાલીદનાં પત્ની સાથે મહાપરા લખવૌવી નામની દુકાનમાં ભાગીદાર છે અને વિવાદાસ્પદ વ્યવહાર પૂર્વે ખાલીદને ઓળખતો હતો.
કેસની ચર્ચા કરતાં કોર્ટે જણાવ્યું હતું કે કેસને બે તબક્કે જોવો પડે તેમ છે પહેલો તબક્કો પાલિકાની પરવાનગી વિના જમીન રેલવેની હોવાનું દર્શાવીને કદની મર્યાદા પાળ્યા વિના હોર્ડિંગ ઊભું કરવું. બીજો તબક્કે ખામીયુક્ત બાંધકામ છે જેને લીધે એક વર્ષમાં હોર્ડિંગ તૂટી પડયું હતું.
ખાનની ભૂમિકા પહેલા તબક્કામાં આવે છે જેમાં પરવાનગી મેળવવામાં આવી છે. ૨૦૨૦માં જીઆરપીએ મૂળ ટેન્ડર ફ્લોટ કર્યું હતું જે ૪૦ બાય ૪૦ના હોર્ડિંગ માટે હતું અને પાલિકાની પરવાનગી માગવાની શરત હતી.
કોર્ટે જોકે જણાવ્યું હતું કે એવું જણાય છે કે એ વખતના કમિશનર સેંગેવેકર (રવીન્દ્ર સેનગાંવકર)ની બદલી બાદ જ્યારે ખાલીદે કમિશનર તરીકે અખત્યાર સંભાળ્યો ત્યારે જમીન રેલવેની છે અને રાજ્ય સરકારની નથી એ દર્શાવતા દસ્તાવેજો મેળવવામાં આવેલા જેથી હોર્ડિંગના કદ અને પાલિકાની પરવાનગીના નિયમમાંથ છટકી શકાય. ખાલીદના કાર્યકાળમાં જ મૂળ શરતો અને હોર્ડિંગનું કદ વધારવામાં આવ્યા હતા.
કોર્ટે વધુમાં જણાવ્યું છે કે આરોપનામામાં આરોપી ભાવેશ ભિંડેએ કરેલી રજૂઆતમાં સહઆરોપી જાનવી મરાઠેએ અરજદાર ખાનને ખાલીદના કહેવાથી હોર્ડિંગનું કદ વધારવા માટે ચેક જારી કર્યો હતો.
જીઆરપી કમિશનરેટ સાથે જોડાયેલા લો ઓફિસર શિરસાઠના નિવેદનમાં જણાયું છે કે શરૃઆતમાં તેમણે પાલિકાની પરવાનગીની આવશ્યકતા હોવાનું લખાણ તૈયાર કર્યું હતું પણ બાદમાં ખાલીદે તેને ડ્રાફ્ટ બદલવા જણાવ્યું હતું અને એ અનુસાર બદલી કરવામાં આવી હોવાનું કોર્ટે જણાવીને ઉમેર્યું હતું કે ખાલીદની ભૂમિકા શંકાસ્પદ છે.