ભૂતપૂર્વ પ્રેસ ફોટોગ્રાફરની ગોળી મારીને હત્યા કેસમાં પ્રેમિકાની ધરપકડ
નાગપુરના હત્યા કેસમાં વોટસએપ મેસેજથી મહત્ત્વની કડી મળી
પ્રેમિકા હાલમાં શૂટર સાથે રિલેશનશીપમાં હતી અને તેણે જ તેને હત્યા માટે ઉશ્કેર્યો હતો
મુંબઈ : ભૂતપૂર્વ પ્રેસ ફોટોગ્રાફરની ગોળી મારીને હત્યા કરવાનો કેસ નાગપુર પોલીસે ઉકેલી લીધો છે આ ગુનાના અન્ય કોઈ નહીં પણ મૃતકની પ્રેમિકાની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તે શૂટર સાથે રિલેશિપમાં હતી. તેણે જ શૂટરને હત્યા માટે ઉશ્કેર્યો હતો. આ ચાલબાજ મહિલાના વોટસએપ મેસેજથી પોલીસને કેસમાં મહત્વની કડી મળી હતી.
નાગપુરના રાજનગરમાં ૫૪ વર્ષીય ભૂતપૂર્વ ફોટોગ્રાફર વિનય ઉર્ફે બબલુ પુણેકરની ૨૩ ફેબુ્રઆરીમાં તેમની નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યા સંબંધમાં સાક્ષી ગ્રોવર (ઉ.વ.૩૬)ની ધરપકડ કરી છે. જ્યારે શૂટર હેમંત શુકલા ફરાર છે.
સદર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સાક્ષીએ પૂછપરછ દરમિયાન પુણેકર હત્યા સાથે કોઈ સંબંધ ન હોવાનું કહ્યું હતું. પોલીસે તેની ડિલીટ કરેલી વોટસએપ ચેટ મેળવી હતી. તેણે જ શૂટર હેમંતને વિનયની હત્યા કરવા ઉશ્કેયો હોવાનું વોટસ એપ મેસેજથી માલૂમ પડયું હતું.
ગ્રોવરના કહેવા પર શુકલાએ ભૂતપૂર્વ ફોટોગ્રાફરને બે ગોળી મારી હતી ગોળી બે જુદી જુદી પિસ્તોલમાંથી ચલાવવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૂળ મધ્ય પ્રદેશની સાક્ષીના લગ્નના બે વર્ષે બાદ પતિનું મૃત્યુ થયુ હતું. તેનં અગાઉ વિનય પુણેકર સાથે અફેર હતું. હાલમાં તે શૂટર શુકલા સાથે રિલેશનશીપમાં હતી. હજી પણ વિનય સાથે સાક્ષીનો પ્રેમસંબંધ હોવાની શુકલાને શંકા હતી. આથી તે ગુસ્સામાં હતો
ગત ૨૨ ફેબુ્રઆરીએ સાક્ષીએ શુકલાને ફોન કર્યો હતો આ ઉપરાંત વોટસ એપ મેસેજ કર્યો હતો.
તેણે મેસેજમાં કહ્યું હતું કે 'અગર મેં ઉસકા ઘર દિખા દું, તો ક્યા તુમ ઉસકો માર દોંગે? આમ તેણે શુકલાને વિનયની હત્યા માટે ઉશ્કેર્યો હતો. પોલીસ તપાસમાં હત્યામાં સાક્ષીની સંડોવણી પુરવાર થઈ હતી. પોલીસે સાક્ષીને ધરપકડ કરી ફરાર શુકલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.