Get The App

શિંદે વિરુદ્ધ ટિપ્પણી માટે માજી મેયર દત્તા દળવીની ધરપકડ

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
શિંદે વિરુદ્ધ ટિપ્પણી માટે માજી મેયર દત્તા દળવીની ધરપકડ 1 - image


ભાંડુપમાં જાહેર સભામાં સીએમ શિંદે વિરૃદ્ધ 'વાંધાજનક ટિપ્પણી' કરી હતી

પોલીસ ની રિમાન્ડ અરજી ફગાવી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી અપાઈઃ પોલીસ સ્ટેશન બહાર ઉદ્ધવ જૂથના કાર્યકરોના સૂત્રોચ્ચાર

મુંબઇ :  શિવસેના (યુટીબી)ના નેતા અને મુંબઇના ભૂતપૂર્વ મેયર દતા દળવીની પોલીસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરૃદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ  ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

કોર્ટે તેમને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 

આ કેસમાં નિર્દોષ છે અને  ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કરીને દળવીએ કોર્ટમાંથી જામીન માગ્યા હતા. તેમની અરજી પર ગુરૃવારે સુનાવણી થશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભાંડુપમાંથી આજે સવારે દળવીની ધરપકડ કરવામાં આવી હતી. ભાંડુપમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) દ્વારા રવિવારે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમા પ્રચાર દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નામના આગળ  હિંદ હૃદય સમ્રાટને ઉલ્લેખ કરાયો હતો. આ બદલ દળવીએ સભામાં કથિત રીતે શિંદે વિરૃદ્ધ અપમાન જનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

તેના આધારે દળવી વિરૃદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ મામલામાં કલમ ૧૫૩ (એ), ૧૫૩ (બી), ૨૯૪, ૫૦૪, હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે દળવીને મુલુંડની મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કર્યા બાદ બે દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

આ કેસની તપાસ કરતા અધિકારીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દળવીની  કસ્ટડી જરૃરી છે.

જોકે દળવી  તરફથી હાજર રહેલા  એડવોકેટ સંદીપ સિંહે રજૂઆત કરી હતી કે રિમાન્ડની અરજીમાં કસ્ટડી માટે કોઇ યોગ્ય કારણ આપવામાં આવ્યું નથી. પોલીસે જે કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે તે મુજબ આરોપીએ ગુનો કર્યો નથી રાજકીય બદલો લેવાના ઉદ્દેશ્યથી ધરપકડ કરવામાં આવી છે.

કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ આરોપીને પોલીસને કસ્ટડી આપવાની ના પાડી હતી. તેને અદાલતી કસ્ટડી આપી હતી.

તે પછી દળવીએ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. આ કેસમાં  ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને ગુનામાં કોઇ ભૂમિકા ન હોવાનું દળવીને અરજીમાં ઉમેર્યું હતું.

બીજી તરફ દળવીની ધરપકડ બાદ ભાંડુપ પોલીસ સ્ટેશનની બહાર ઠાકરે જૂથના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જમા થઇ ગયા હતા. તેમણે પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચાચાર કર્યા હતા.



Google NewsGoogle News