નવી મુંબઈ એપીએમસીના ભૂતપૂર્વ ડિરેકટર સંજય પાનસરેની ધરપકડ
કરોડોના સાર્વજનિક શૌચાલય ગોટાળા પ્રકરણે
કોર્ટે પાનસરેને 2 દિવસની કસ્ટડી આપી
મુંબઈ : નવી મુંબઈના વાશીમાં આવેલ એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના સંકુલમાં આવેલ સાર્વજનિક શૌચાલયના ગોટાળા પ્રકરણમાં નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બુધવારે એપીએમસીના ભૂતપૂર્વ ડિરેકટર સંજય પાનસરેની ધરપકડ કરી હતી. પાનસરેને કોર્ટમાં હાજર કરવામાં આવતા બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
સંજય પાનસરે સહિત સાત પદાધિકારીઓની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દેતા ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણે એનસીપી (શરદ પવાર જૂથ)ના સાતારાના ઉમેદવાર શશિકાંત શિંદે સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
નવી મુંબઈ એપીએમસીમાં નિયમ પ્રમાણે પ્રક્રિયા ન કરી પોતાને મનગમતી સંસ્થાને શૌચાલયનો ટેન્ડર આપવાનો આરોપ પાનસરે પર લગાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં કુલ રૃ.૭.૬૧ કરોડ રૃપિયાનો ગોટાળો થયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. સંજય પાનસરેને બુધવારે નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ પ્રકરણે નવી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ શશિકાંત શિંદે, રવિન્દ્ર પાટિલ, સીતારામ કાવરખે, જીએમ વાકોડે, વિજય શિંગાડે, સુંદરશન પાંડુરંગ ભોજનકર, રાજેન્દ્ર ઝુંજાર રાવ, વિલાસ પવાર સામે ગુનો નોંધ્યો હતો. આમાંથી શશિકાંત શિંદેને હાઈકોર્ટે આગોતરા જામીન આવ્યા હતા જ્યારે અન્યોની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ પહેલાં આ પ્રકરણે સંડોવાયેલા હોવાનું મનાતા સુરેશ મારુ, મનેશ પાટિલ, સિદ્રામ કટકધોંડ આ ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે એપીએમસીના ભૂતપૂર્વ ડિરેકટર સંજય પાનસરેની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત વાશી એપીએમસી માર્કેટના ગાળાઓ વેચવામાં પણ લગભગ ચાર હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ સાતારાના કોરેગાંવ મતદાર સંઘના શિવસેનાના ધારાસભ્ય મહેશ શિંદેએ હાલની લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવાર શશિકાંત શિંદેને લક્ષ્ય બનાવતા કર્યો હતો. મહેશ શિંદેએ સાતારામાં લીધેલી એક પત્રકાર પરિષદમાં આ ખળભળાટ જનક આરોપ કર્યો હતો. જોકે શશિકાંત શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે મને મહાવિકાસ આઘાડી તરફથી લોકસભા માટે ઉમેદવારી મળતા વિરોધકો આવા આરોપો કરી રહ્યા છે.