ખંડણીનો કેસ રદ કરવા માજી ડીજીપી સંજય પાંડેની હાઈકોર્ટમાં અરજી
વેપારી પુનમિયાએ કરેલો કેસ રાજકીય હેતુથી પ્રેરીત હોવાનો દાવો
શિંદે, ફડણવીસ અને પરમબીર સિંહને નહિ સંડોવે તો ખોટા કેસમાં ફિટ કરી દેવાની કોઈ ધમકી પોતે નહિ આપ્યાનો પાંડેનો દાવો
મુંબઈ : રાજ્યના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) સંજય પાંડેએ બોમ્બે હાઈ કોર્ટમા અરજી કરીને થાણે પોલીસે પોતાની સામે કરેલા ખંડણીના કેસને રદ કરવાની દાદ માગી હતી અને આરોપ કર્યો હતો કે કેસ નોંધવા પાછળ રાજકીય વેરઝેર કારણભૂત છે. ન્યા. ડાંગરે અને ન્યા. દેશપાંડેની બેન્ચે ટૂંકમાં દલીલ સાંભળી હતી અને ૧૯ ડિસેમ્બર પર વધુ સુનાવણી રાખી છે.
અરજીમાં પાંડેએ દાવો કર્યો હતો કે બિઝનેસમેન સંજય પુનમિયા દ્વારા પોતાની સામે ખંડણી, ફોજદારી કાવતરું અને ઠગાઈની કરેલી ફરિયાદ રાજકીય હિતથી પ્રેરીત છે.
પુનમિયાએ ફરિયાદીમાં આરોપ કર્યો હતો કે ૨૦૨૧માં ડીજીપી તરીકે પાંડેએ હોદ્દાનો દુરુપયોગ કરીને પૈસ પડાવ્યા હતા અને ખોટું નિવેદન આપવા ફરજ પાડી હતી. એફઆઈઆર ત્રણ વર્ષ બાદ કરવામાં આવી હોવાનું અરજીમાં જણાવાયું હતું. વિલંબથી સાબિત થાય છે કે ફરિયાદ ઉપજાવેલી છે અને પાંડે સાથે ફરિયાદીએ ક્યારેય વાતચીત પણ કરી નથી.
એફઆઈઆરમાં જણાવાયું હતું કે પાંડે અને બે નિવૃત્ત પોલીસ અધિકારી તેમ જ અન્યોએ પુનમિયાને ધમકી આપી હતી કે શહેરી જમીન ટોચ મર્યાદા કૌભાંડમાં રાજકીય હસ્તીઓને સંડોવશે નહીં તો તેને સામે ખોટા કેસમાં સંડોવવામાં આવશે.
પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા બાદ પોતાની સામે ચાલી રહેલા રાજકીય વેરઝેરને લીધે આ એફઆઈઆર કરાવાઈ છે. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને માજી પોલીસ કમિશનર પરમ બીર સિંહને સંડોવવાનો પાંડેએ મેસેજ આપ્યો હતો. એ વખતે પોતે સૈફી હોસ્પિટલમાં દાખલ હોવાનું પુનમિયાએ આરોપમાં જણાવ્યું હતું.
પાંડેએ આગોતરા જામીન અરજી કરી હતી અને તેમને ત્રીજી જાન્યુઆર ૨૦૨૫ સુધી ધરપકડ સામે રાહ અપાઈ છે.