સંજય નિરૂપમ મુખ્યમંત્રી શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા, 19 વર્ષ બાદ પાર્ટીમાં કરી વાપસી
Lok Sabha Elections 2024 : કોંગ્રેસના પૂર્વ નેતા સંજય નિરૂપમ શિવસેનામાં જોડાયા છે. તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં સામેલ થયા છે. આ દરમિયાન મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે, 'હું સંજય નિરૂપમનું શિવસેનામાં સ્વાગત કરું છું. તેમની સાથે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તા પણ શિવસેનામાં જોડાયા છે. બાલાસાહેબે સંજય નિરૂપમને બે વખત રાજ્યસભામાં મોકલ્યા હતા. તેઓ ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ જ્યારે મેં તેમને પાર્ટી માટે કામ કરવા કહ્યું તે તેમને બદલામાં કંઈ ન મળ્યું, તેમ છતાં તેઓ પાર્ટીમાં સામેલ થઈ ગયા. એટલા માટે હું તેમનું સ્વાગત કરું છું.'
જણાવી દઈએ કે, અવિભાજિત શિવસેના છોડવાના 19 વર્ષ બાદ તેમણે આ નિર્ણય લીધો છે. શિવસેનાથી જ તેમણે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. ગત મહિને કોંગ્રેસે 'પાર્ટી વિરોધી ગતિવિધિઓ'ના કારણે તેમને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારબાદ સંજય નિરૂપમ મુખ્યમંત્રી શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા. નિરૂપમ આ પહેલા અવિભાજિત શિવસેનાના હિન્દી મુખપત્ર 'દોપહર કા સામના'ના સંપાદક રહી ચૂક્યા છે. મુખ્યમંત્રી શિંદેએ સંજય નિરૂપમને કહ્યું કે, 'હું તમારો ભરોસો તૂટવા નહીં દઉં.'
વર્ષ 2005માં સંજય નિરૂપમ કોંગ્રેસમાં સામેલ થયા અને તેમણે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહાસચિવ બનાવાયા હતા.તેમણે 2009ની ચૂંટણીમાં મુંબઈ ઉત્તર લોકસભા બેઠક જીતી હતી, જેમાં ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને સામાન્ય અંતરથી હરાવ્યા હતા. તેમણે ગત 19 વર્ષ દરમિયાન કોંગ્રેસના અનેક પદો પર કામ કર્યું.
કોંગ્રેસે ગત મહિને નિરૂપમને 'અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનો'ના આરોપમાં 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. એજન્સીના અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હાલમાં જ શિવસેનાના પદાધિકારીઓ સાથે મીટિંગની અધ્યક્ષતા બાદ કહ્યું હતું કે, 'સંજય નિરૂપમ ટુંક સમયમાં જ શિવસેનામાં સામેલ થશે.' ત્યારે આજે તેઓ સામેલ થઈ ગયા છે.