શિવસેનાના સૌમ્ય ચહેરા તરીકે ઓળખાતા માજી સીએમ મનોહર જોશીનું નિધન
સંપૂર્ણ સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર યોજાયા
વાજપેયી સરકાર વખતે લોકસભા સ્પીકર પણ રહ્યા, વડાપ્રધાન સહિતના મહાનુભવોની અંજલિ
મુંબઈ : આક્રમક શેરી લડાઈ માટે જાણીતી શિવસેનાના સૌમ્ય ચહેરા તરીકે ઓળખાતા લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર તથા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહર જોશીનું ૮૬ વર્ષની વયે આજે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. આશરે બે દાયકાથી તેઓ સક્રિય રાજકારણથી દૂર થઈ થઈ ચૂક્યા હતા. આજે સાંજે સંપૂર્ણ સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ દર્શન માટે મુખ્યપ્રધાન એકનાથ શિંદે ઉપરાંત ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો શરદ પવાર, સુશીલ કુમાર શિંદે, ઉદ્ધવ ઠાકરે સહિત મોટી સંખ્યામાં શિવસૈનિકો અને અન્ય ચાહકો હાજર રહ્યા હતા.
મનોહર જોશીની તબિયત લાંબા સમયથી અસ્વસ્થ રહેતી હતી. થોડા મહિનાઓ પહેલાં પણ તેમને બ્રેઈન હેમરેજ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે સાંજે તેમની તબિયત વધુ અસ્વસ્થ બની હતી. તેમને તત્કાળ હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, આજે સવારે હૃદય બંધ પડી જવાથી તેમનું નિધન થયું હતું.
બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી ત્યારના તેમના સાથીઓમાંના એક મનોહર જોશી મુંબઈના મેયર સહિતના અનેક હોદ્દા સંભાળી ચૂક્યા હતા. ૧૯૯૫માં રાજ્યમાં જ્યારે પહેલીવાર ભાજપ અને શિવસેનાની સંયુક્ત સરકાર રચાઈ ત્યારે બાળાસાહેબ ઠાકરેએ શિવસેના વતી મુખ્યપ્રધાનપદ સંભાળવા માટે તેમના પર કળશ ઢોળ્યો હતો. એક અર્થમાં તેઓ રાજ્યના પહેલા એવા મુખ્યપ્રધાન બન્યા હતા જેમનો કોંગ્રેસ સાથે ક્યારેય કોઈ નાતો રહ્યો ન હતો. જોકે, બાદમાં કેટલાક આક્ષેપોને પગલે બાળાસાહેબ ઠાકરેએ તેમને રાતોરાત મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવા કહ્યું ત્યારે તેમણે પળના પણ વિલંબ વિના હોદ્દો છોડી દીધો હતો.
કેન્દ્રમાં ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળની અટલ બિહારી વાજપેયી સરકાર હતી ત્યારે લોકસભામાં ચૂંટાયેલા મનોહર જોશીની સ્પીકર તરીકે વરણી થઈ હતી. ૨૦૦૪માં વાજપેયી સરકાર લોકસભા ચૂંટણી હારી તે પછી મનોહર જોશીની રાજકીય કારકિર્દીનો અસ્તાચળ શરુ થયો હતો . ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં હાર પામ્યા હતા અને તે પછી શિવસેના પક્ષમાં કોરાણે ધકેલાઈ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે મનોહર જોશીએ મહારાષ્ટ્રના ઉત્થાન માટે દિવસરાત કામ કર્યું હતું. માજી મુખ્યપ્રધાન શરદ પવારે અંજલિ આપતાં સ્પીકર તરીકે મનોહર જોશીએ સંસદ સંકુલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી તે યાદ કરી હતી. સીએમ એકનાથ શિંદે, નાયબ સીએમ દેવેન્દ્ર ફડણવીસ, નાયબ સીએમ અજિત પવાર સહિતના રાજકીય નેતાઓએ પણ તેમને અંજલિ આપી હતી.
આજીવન બાળ ઠાકરે પરિવારને વફાદાર રહ્યા બાળ ઠાકરેએ એક ફોન કરી સીએમ પદ આંચકી લીધું હતું
શિવસૈનિકોએ ધક્કે પણ ચઢાવ્યા હતા, રાજ સાથે બિઝનેસ રિલેશન છતાં મનસેમાં ન જોડાયા
મનોહર જોશી બાળ ઠાકરેના શિવસેનાના સ્થાપના વખતના સાથી હતા અને રાજકીય કારકિર્દીમાં અનેક ઉતારચઢાવ તથા મહારાષ્ટ્રમાં બદલાયેલાં રાજકીય સમીકરણો છતાં પણ તેમણે બાળ ઠાકરે પરિવાર માટેની વફાદારી જાળવી રાખી હતી.
મનોહર જોશી શિવસેનાના વડપણ હેઠળની સરકારના પહેલા મુખ્યપ્રધાન હતા. જોકે, ૧૯૯૯માં નારાયણ રાણેએ જોશી સામે બેફામ આક્ષેપો કર્યા હતા. તે વખતે બાળ ઠાકરેએ માત્ર એક ફોન પર મનોહર જોશીને મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવા આદેશ કર્યો હતો. એક હરફ પણ ઉચ્ચાર્યા વિના બીજી જ ક્ષણે તેમણે રાજ્યના તત્કાલીન રાજ્યપાલ પી.સી. એલેક્ઝાન્ડરને પોતાનું રાજીનામું મોકલી દીધું હતું.
૨૦૧૨માં બાળાસાહેબનાં અવસાન પછી શિવસેનાની પહેલી દશેરા રેલી યોજાઈ ત્યારે કેટલાક શિવસૈનિકોેએ મનોહર જોશીને રીતસર ધક્કે ચઢાવ્યા હતા. પરંતુ, મનોહર જોશી એ અપમાનનો ઘૂંટડો ગળી ગયો હતો. તે પછી પણ તેમની ઠાકરે પરિવાર માટેની નિષ્ઠામાં કોઈ ઓટ આવી ન હતી.
મનોહર જોશીના પુત્ર તથા રાજ ઠાકરે બિઝનેસ પાર્ટનર હોવાથી જ્યારે રાજ ઠાકરેએ પોતાની અલગ પાર્ટી મનસેની રચના કરી ત્યારે મનોહર જોશી તેમની સાથે જોડાશે એવું મોટાભાગના શિવસૈનિકો પણ માનતા હતા. પરંતુ, મનોહર જોશીએ શિવસેનામાં
એન્જિનિયરનાં સ્નાતક અને શિક્ષક
- મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણ પ્રદેશમાં ૨ ડિસેમ્બર ૧૯૩૭ ના રોજ જન્મેલા જોશીએ મુંબઈની પ્રતિિƒત વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજિકલ ઇન્સ્ટિટયૂટ (વીજેટીઆઇ) માંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
- તેમની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સામેલ થવાથી શરૃ થઈ હતી.તેઓ પછીથી શિવસેનાના સભ્ય બન્યા હતા. વર્ષ ૧૯૮૦ ના દાયકામાં જોશી શિવસેનામાં મુખ્ય નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેમની સંગઠનાત્મક કુશળતા માટે જાણીતા હતા.
- મનોહર જોશીએ અનધા જોશી સાથે લગ્ન કર્યા હતા, જેમનું વર્ષ ૨૦૨૦માં ૭૫ વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે.
-જોશીએ તેમની કારકિર્દી શિક્ષક તરીકે શરૃ કરી હતી અને વર્ષ ૧૯૬૭માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ચાર દાયકાથી વધુ સમયથી શિવસેના સાથે જોડાયેલા હતા.
- તેઓ વર્ષ૧૯૬૮-૭૦ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવક હતા અને વર્ષ ૧૯૭૦માં મુંબઈ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા હતા.તેઓવર્ષ૧૯૭૬-૧૯૭૭ દરમિયાન મુંબઈના મેયર હતા.ત્યારબાદ તેઓ વર્ષ ૧૯૮૨ માં મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. વિધાન પરિષદમાં ત્રણ ટર્મ સેવા આપ્યા પછી, જોશી વર્ષ ૧૯૯૦ માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા હતા અનેવર્ષ૧૯૯૦-૯૧ દરમિયાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.
-૧૯૯૯ની લોકસભાની ચૂંટણીમાં, જોશી મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા મતવિસ્તારમાંથી શિવસેનાના ઉમેદવાર તરીકે જીત્યા હતા . તેઓ કેન્દ્રીય કેબિનેટમાં ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોના કેન્દ્રીય પ્રધાન પણ રહ્યા હતા. જ રહેવાનું મુનાસિબ માન્યું હતું.
જોશીના સીએમ તરીકેના કાર્યકાળમાં મેયર ઈન કાઉન્સિલ, ઝુણકા ભાખર યોજના, ઝુપડાં પુનર્વસન યોજના વગેરેની શરુઆત થઈ હતી. તેમના અનુગામી સીએમ નારાયણ રાણેએ કારભાર સંભાળતાં વેંત તેમની મોટાભાગની યોજનાઓ બંધ કરાવી દીધી હતી. તે વખતે પણ જોશીએ કોઈ અસંતોષનો સૂર ઉચ્ચાર્યો ન હતો.