બીએઆરસીના ભૂતપૂર્વ વૈજ્ઞાાનિક રહસ્યમય રીતે ગુમ થઇ ગયા
ડૉ. એપીજે અબ્દુલ કલામ સાથે કામ કરી ચૂક્યા છે
ડિમેન્શિયાના દર્દી વૈજ્ઞાનિક ફૂલ ખરીદવા ગયા બાદ ગાયબ : 10 પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા શોધખોળઃ રૃા.10 હજારના ઇનામની જાહેરાત
મુંબઇ : ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)ના ભૂતપૂર્વ વૈજ્ઞાાનિક વિનાયક કોળવણકર બાંદરાના ઘરેથી બહાર ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા હતા. તેમને શોધી કાઢવા માટે પોલીસની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
૭૬ વર્ષીય વિનાયક કોળવણકર વિશે કોઇપણ માહિતી આપનારને રૃા.૧૦ હજારનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
નિર્મળનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર રમેશ ખિલારેએ જણાવ્યું હતું કે બાંદરાના ન્યૂ એમઆઇજી કોલોનીમાં રહેતા કોળવણકર ડિમેન્શિયા બીમારીથી પીડાય છે. તેઓ પાંચ સપ્ટેમ્બરથી ગુમ થઇ ગયા છે. તેમના પત્ની વૈશાલીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ વિનાયક ફૂલ ખરીદવા ઘરેથી બહાર ગયા હતા પરંતુ પાછા આવ્યા નહોતા.
સીસીટીવી ફૂટેજમાં વિનાયક બાંદરા સ્ટેશન પર ટ્રેનમાં ચઢતા અને સાંતાક્રુઝ સ્ટેશન પર ઉતરતા જોઇ શકાય છે. તેઓ થોડીવાર ત્યાં ફરતા હતા પછી બીજી ટ્રેનમાં બાંદરા પરત જતા જોવા મળ્યા હતા. છેલ્લે વિનાયક બાંદરા (પશ્ચિમ)માં સ્ટેશનની બહાર ગયા હતા.
તેમની શોધખોળ માટે ૧૦ પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી છે. તેમજ માહિતી આપનાર માટે રૃા.૧૦ હજારની ઇનામની જાહેરાત કરાઇ છે. અમે હોસ્પિટલ, રેલવે સ્ટેશનો અને અન્ય તમામ સંભવિત સ્થળોની તપાસ કરી રહ્યા છે, એમ ઇન્સ્પેકટર ખિલારેએ વધુમાં જણાવ્યું હતું.
ડૉ.એપીજે અબ્દુલ કલામ અને ડૉ. અનિલ કાકોડકટ સાથે તેમણે કામ કર્યું હોવાનું કહેવાય છે.