દિશા સાલિયાન કેસમાં ડીસીપીના નેતૃત્વ હેઠળ એસઆઈટીની રચના
આદિત્ય ઠાકરે રાજ્યની સત્તાધારી મહાયુતિના નિશાન પર
આદિત્ય ઠાકરે સામે થયેલા આક્ષેપો બાદ સરકારે ગયાં વર્ષે એસઆઈટી તપાસની ખાતરી આપી હતીઃ ગૃહ ખાતાંની તાકીદ બાદ પોલીસ સક્રિય
મુંબઈ : ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના રહસ્યમય સંજોગોમાં થયેલા મોત અંગે એસઆઈટી તપાસની અગાઉ થયેલી જાહેરાતના સંદર્ભમાં મહારાષ્ટ્રનાં ગૃહ મંત્રાલયે મુંબઈ પોલીસને તત્કાળ આ એસઆઈટી માટે નામો સૂચવવા તાકીદ કરતાં મુંબઈ પોલીસે આજે તપાસ ્અધિકારી તથા માર્ગદર્શક અધિકારીનાં નામો જાહેર કર્યાં હતાં. આ સાથે આ કેસમાં ફેરતપાસનો પ્રારંભ થયો છે. દિશા કેસમાં શિવસેના યુબીટીના નેતા તથા રાજ્યના માજી પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેનું નામ પણ રાજ્યની હાલની સત્તાધારી યુતિના નેતાઓ દ્વારા વારંવાર ઉછાળવામાં આવ્યા બાદ સરકારે ગયાં વર્ષે એસઆઈટી તપાસની જાહેરાત કરી હતી પરંતુ એસઆઈટીની રચના થઈ ન હતી. હવે આદિત્યને નિશાન બનાવવા માટે સરકારે પોલીસને તાકીદે એસઆઈટી માટે નામો સૂચવવા તાકીદ કરી હતી.
મુંબઈ પોલીસના માલવાની પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ચિમાજી આધવને આ કેસની તપાસ કરવાની જવાબદારી સોંપાઈ છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અજય બંસલને આ તપાસનું સુપરવિઝન કરવા જણાવાયું છે.
દિશા સાલિયાનનુ ંમોત માલવાની પોલીસ મથકના હકુમત હેઠળના વિસ્તારમાં થયું હોવાથી ત્યાંના ઈન્સ્પેક્ટરને આ જવાબદારી સોંપાઈ છે. વર્ષ ૨૦૨૦માં આઠમી જૂને એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં ઊંચેથી પટકાવાના કારણે ૨૮ વર્ષીય દિશાનું મોત થયું હતું. દિશાએ આપઘાત કર્યો છે કે પછી અકસ્માતે પડી જવાથી તેનું મોત થયું છે તે વિશે અનેક અટકળો અને ચર્ચાઓ ચાલી હતી.
દિશાના મોતને પગલે રાજ્યમાં રાજકીય વાગ્યુદ્ધ પણ છેડાયું હતું. ભાજપના સંખ્યાબંધ નેતાઓએ આ પ્રકરણમાં આદિત્ય ઠાકરેનું નામ પણ ઉછાળ્યું હતું.
ગયાં વર્ષે વિધાનસભાના શિયાળુ સત્રમાં જ ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું હતું કે દિશાનાં મોતના કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવશે. ગયાં સપ્તાહે ફરીથી ભાજપના કેટલાક નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એસઆઈટી હજુ સુધી કાર્યરત કેમ નથી થઈ તેવા સવાલો કર્યા હતા.
મહારાષ્ટ્રના ગૃહ ખાતાંના એડિશનલ સેક્રેટરીએ મુંબઈ પોલીસ કમિશનરને એક પત્ર પાઠવ્યો હતો આજ સુધીમાં એસઆઈટી માટે અધિકારીઓનાં નામ રજૂ કરવા જણાવ્યું હતું. અન બાદમાં મુંબઈ પોલીસે આ કેસની તપાસ માલવાનીના સિનિયર ઈન્સ્પેક્ટર કરશે તેમ જાહેર કર્યું હતું. ે
બીજી તરફ ઉદ્ધવ ઠાકરેને આ વિશે પૂછાતાં તેમણે કહ્યું હતું કે તેમને આવા કોઈ આદેશની સત્તાવાર જાણ નથી .તેમણે કહ્યું હતું જો અમારું નામ ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવશે તો અમે પણ તેમના વિશે કેટલાક પર્દાફાશ કરશું. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે આ આદેશ અમને બદનામ કરવા માટે ભાજપનું કાવતરું છે તેથી વિશેષ કશું જ નથી.
સીબીઆઈ આપઘાતનો એન્ગલ નકારી ચુકી છે
દિશા સાલિયાન કેસમાં સીબીઆઈ અગાઉ જ આપઘાતનો એન્ગલ નકારી ચુકી છે.સીબીઆઈએ આ કેસની તપાસ બાદ જણાવ્યું હતું કે દિશા સાલિયાનનું મોત એક આકસ્મિક દુર્ઘટના જ હતી. તેણે આપઘાત કર્યો ન હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર દિશા નશામાં હોવાના કારણે સંતુલન ગુમાવી બેઠી હતી અને તેના કારણે બિલ્ડિંગની ટેરેસ પરથી ગબડી પડી હતી.
તો લોયા કેસમાં પણ એસઆઈટી રચોઃ ઉદ્ધવ જૂથ
દિશા સાલિયાન કેસમાં એસઆઈટીન રચનાના વળતા પ્રત્યાઘાત રુપે શિવસેના યુબીટીના નેતા અંબાદાસ દાનવેએ વિધાનપરિષદમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે વિશેષ સીબીઆઈ જજ બી.એચ. લોયોના રહસ્યમય મોત અંગે પણ એસઆઈટી રચવી જોઈએ. ગુજરાતના સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરતા જજ લોયાનું ૨૦૧૪ની પહેલી ડિસેમ્બરે નાગપુરમાં હૃદય બંધ પડી જવાથી નિધન થયું હતું.