સગીરની જગ્યાએ માતાના બ્લડ સેમ્પલ ગોઠવી દેવાયાનું ફોરેન્સિક તપાસમાં કન્ફર્મ
પુણે પોર્શે કાર અકસ્માત કેસમાં ફોરેન્સિક અહેવાલથી ખુલાસો
સગીરના રિમાન્ડ 12 જૂન સુધી, માતાપિતાની કસ્ટડી 10 જૂન સુધી, ડોક્ટરોની કસ્ટડી 7 જૂન સુધી લંબાવાઈ
મુંબઈ : પુણે પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા ૧૭ વર્ષના સગીરના રક્તના નમૂના તેની માતાના રક્તના નમૂના સાથે બદલી નખાયા હોવાનું ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટમાં પુરવાર થયું હોવાનું પોલીસે કોર્ટને જણાવ્યું હતું. બીજી બાજુ જ્યુવેનાઈલ જસ્ટિસબોર્ડ (જેજેબી)એ સગીરના રિમાન્ડ ૧૨ જૂન સુધી લંબાવ્યા છે.
અકસ્માત સમયે કથિત દારુના નશામાં રહેલા સગીરના લોહીના નમૂના બદલી નાખવાના આરોપસર ૧૯ મેના રોજ બે ડોક્ટર અને સસૂન જનરલ હોસ્પિટલના કર્મચારીની ધરપકડ કરી હતી. આરોપીમાંનો એક ડોક્ટર સગીરના પિતાના સંપર્કમાં હતો.
સગીરની માતાની પહેલી જૂને કાવતરાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બુધવારે સગીરના માતાપિતા, બે ડોક્ટરો અને એક કર્મચારીને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. કોર્ટે બે ડોક્ટર અને કર્મચારીની કસ્ટડી સાત જૂન સુધી લંબાવી છે.સેશન્સ કોર્ટે સગીરના માતાપિતાની પોલીસ કસ્ટડી પોલીસની વિનંતીને પગલે ૧૦ જૂન સુધી લંબાવી છે.
પુણેના કલ્યાણી નગરમાં ૧૯ મેના રોજ સગીર દ્વારા ચલાવાઈ રહેલી પોર્શે કારના અકસ્માતમાં ટુવ્હીલર સવાર બે આઈટી પ્રોફેશનલના મોત થયા હતા. સગીર અકસ્માત સમયે દારૃના નશામાં હોવાનો પોલીસે દાવો કર્યો હતો.