મુંબઈની ખાડીઓમાં વિદેશી પક્ષીઓનું આગમન શરુ
શિયાળાના ખાસ મહેમાનોએ દેખા દીધી
ટ્રાન્સ- હાર્બર લિંકના ધમધોકાર કામને લીધે શિવડીને કિનારે પક્ષીઓ ઘટયા
મુંબઇ : શિયાળાનું આગમન થતાની સાથે જ મુંબઇ અને મેટ્રોપોલિટન રિજનમાં આવેલી ખાડીઓ અને તળાવોમાં ફ્લેમિંગો (સુરરખાબ) અને બીજા યાયાવર પક્ષીઓ આવવા માંડયા છે. ધીમે ધીમે ઠંડી વધવાની સાથે મોટી સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓ ફ્લેમિંગો પક્ષીઓ આવવા માંડશે અને ખાડીના કિનારે પિંક-સિટી જેવું દ્રશ્ય નજરે પડશે.
મુંબઇના શિવડી, થાણે, ઐરોલી, નવી મુંબઇના છીછરા પાણીવાળા વિસ્તારોમાં દર શિયાળામાં ફ્લેમિંગો પક્ષીઓની નાની-મોટી વસાહત સ્થપાઇ જાય છે. જો કે અત્યારે મુંબઇ ટ્રાન્સ- હાર્બર લિંકનું કામકાજ ધમધોકાર ચાલી રહ્યું હોવાથી શિવડી દરિયા કિનારે નજીક પક્ષીઓનું પ્રમાણ ઘટયું છે.
ગયા વીક-એન્ડમાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સાસાયટી (બીએનએચએસ) તરફથી પક્ષી નિરીક્ષણનું આયોજન થયું હતું જેમાં અનેક પક્ષી પ્રેમીઓ જોડાયા હતા. આ અભિયાન વખતે મહામુંબઇ ક્ષેત્રમાં જુદી જુદી ૬૦ પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા હતા. આમાંથી અમુક પક્ષીને 'ટેગ' લગાડવામાં આવ્યા હતા. જેથી આવતા શિયાળામાં એ પક્ષી પાછા આવે છે કે નહીં તેનો ટ્રેક રાખી શકાય.