17 વર્ષમાં પહેલી વાર કચરો બાળનાર સામે દંડાત્મક કાર્યવાહી
હવાની ગુણવત્તા સુધારવા માટે મહાપાલિકાના ઉધામા
બાંધકામ સાઈટો પાસેથી 17 લાખ જ્યારે ખુલ્લામાં કચરો નાખનાર પાસેથી 11 લાખ વસુલાયા
મુંબઈ : ૨૦૦૬માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો બનાવ્યા પછી પ્રથમ વાર મુંબઈ મહાપાલિકાએ ખુલ્લામાં કચરો બાળવાના કેસમાં દંડ ફટકારીને રૃા. ૨૫ હજાર વસુલ કર્યા છે. છેલ્લા ૧૭ વર્ષમાં ખુલ્લામાં કચરો બાળવા માટે કોઈપણ વ્યક્તિને દંડ નહોતો કરાયો તેમજ રૃા. ૧૦૦ની દંડની રકમમાં પણ છેલ્લા બે દાયકા દરમ્યાન કોઈ ફેરફાર નથી કરાયો.
સૌથી વધુ રૃા. ૧૦ હજારનો દંડ એફ-ઉત્તર વોર્ડમાંથી વસુલ કરાયો હતો જ્યારે તેના પછી સી વોર્ડમાંથી રૃા. પાંચ હજાર અને આર-મધ્ય વોર્ડમાંથી રૃા. ૨,૨૦૦ વસુલ કરાયા હતા. એ,ઈ,એચ-પશ્ચિમ અને એમ-પશ્ચિમ વોર્ડમાંથી કોઈ દંડ વસુલ નહોતો કરાયો. જાન્યુઆરીથી મુંબઈમાં કચરો બાળનાર સામે કાર્યવાહી કરવા વધુ માનવબળ તૈનાત કરવામાં આવશે.
પાલિકાએ શહેરના એર ક્વોલિટી ઈન્ડેક્સના ખરાબ થતા દર માટે જે ટોચના પાંચ પરિબળો જવાબદાર માન્યા છે તેમાં કચરો બાળવાની ક્રિયા મુખ્ય છે.અન્ય પરિબળોમાં બાંધકામ સ્થળો, કાટમાળ, રસ્તા પરની ધૂળ, રેસ્ટોરન્ટ, ઢાબા, બેકરી અને રસ્તા પર ખાવાનું વેંચતા સ્ટોલોમાં અસ્વચ્છ ઈંધણનો વપરાશ તેમજ રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ અને કાસ્ટીંગ યાર્ડ પ્લાન્ટનો ઉપયોગ કરતા ઉદ્યોગો સામેલ છે.
પાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા બે મહિના દરમ્યાન શિયાળામાં તાપણુ કરતા લોકો સહિત અનેક ઉલ્લંઘન કરનારને દંડિત કરાયા છે. દંડની સંખ્યા કેસોની સંખ્યા કરતા વધુ છે કારણ કે અમુક કિસ્સામાં એક કરતા વધુ કારણોસર દંડ ફટકારવામાં આવ્યો હતો.
પાલિકાના ડાટામાંથી એવી પણ માહિતી મળી છે કે પાલિકાના તમામ ૨૪ વોર્ડમાં પોતાના સ્થળ ખાતે તાડપત્રી નહિ લગાવીને ધૂળ માટેના નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી દંડ પેટે રૃા. ૧૭.૨૫ લાખ વસુલ કરવામાં આવ્યા હતા તેમજ ખુલ્લામાં કચરો નાખનાર પાસેથી રૃા. ૧૧.૨૮ લાખ વસુલાયા હતા.